જૂનાગઢનું આખું ગણેશનગર ગેરકાયદેસર? વનવિભાગે 83 મકાનમાલિકોને નોટિસ આપતા હોબાળો



જૂનાગઢનું આખું ગણેશનગર ગેરકાયદેસર? વનવિભાગે 83 મકાનમાલિકોને નોટિસ આપતા હોબાળો



Junagadh Crime News: જૂનાગઢમાં ગિરનાર જંગલ બોર્ડર પાસે આવેલા ગણેશનગરના દુબળી વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જમીનના પુરાવા રજૂ કરવા માટે નોટિસો આપવામાં આવતા વિવાદ ઊભો થયો છે. વર્ષોથી અહીં વસવાટ કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં રહીશો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરીને નોટિસો પરત ખેંચવાની માગ કરી હતી.
જૂનાગઢના ગણેશનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને વન વિભાગે અચાનક શો-કોઝ નોટિસ પાઠવી માત્ર બે દિવસમાં જમીનની માલિકી સંબંધિત પુરાવા રજૂ કરવા આદેશ કર્યો છે. રહીશોનો આક્ષેપ છે કે, વર્ષો પહેલા નગરપાલિકાએ નિયમ મુજબ રકમ વસૂલ કરીને તેમને જમીન ફાળવી હતી અને હવે અચાનક જમીન ખાલી કરવાની નોટિસો અપાતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 45થી 50 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. તેમની પાસે વર્ષો જૂના લાઈટ બિલ, નળ કનેક્શનના પુરાવા તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભરેલા વેરાની પાવતીઓ ઉપલબ્ધ છે. રહીશોએ દાવો કર્યો છે કે, વર્ષો પહેલા કલેક્ટર દ્વારા જંગલ ખાતાને બંધાળા ગામની ગ્રામ પંચાયત હસ્તકની જમીન ગણેશનગરના બદલામાં ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત જંગલની જમીનના નુકસાનના બદલામાં દોઢી જમીન આપવામાં આવી હોવાનો પણ તેઓ દાવો કરી રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે ફોરેસ્ટ વિભાગ તેમને શાંતિથી રહેવા દે અને અગાઉના ઠરાવોના આધારે આ જમીન નિયમિત કરીને કાયદેસરના દસ્તાવેજો બનાવી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
વન વિભાગ હસ્તકની જમીનો વન વિભાગ હેઠળ લેવા માટે હવે જુનાગઢ ગિરનાર દક્ષિણ ડુંગર રેન્જ દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે. 83 જેટલા મકાનમાલિકોને નોટિસ આપીને પુરાવા રજૂ રજૂ કરવા આદેશ કરાયો છે. વન વિભાગનું કહેવું છે કે, ગણેશનગરનો આ વિસ્તાર ડુંગર દક્ષિણ રેન્જના ખોડિયાર રાઉન્ડની દુબળી બીટમાં આવેલો છે અને તે અભયારણ્ય વિસ્તારનો ભાગ છે.
વિભાગના રેકોર્ડ મુજબ અહીં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણોને દૂર કરવા માટે અત્યાર સુધીમાં 83 જેટલા મકાન માલિકોને નોટિસો આપવામાં આવી છે.વન વિભાગના જણાવ્યા મુજબ નોટિસના જવાબમાં સ્થાનિક લોકોએ પોતાના દસ્તાવેજો અને પુરાવાઓ રજૂ કર્યા છે, જેની હાલ ચકાસણી ચાલી રહી છે. જો ચકાસણી દરમિયાન આ વસવાટો ગેરકાયદેસર હોવાનું સામે આવશે તો વિભાગ દ્વારા ડિમોલિશન સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, તેમના રેકોર્ડમાં જંગલ ખાતાને બદલામાં અન્ય કોઈ જમીન ફાળવવામાં આવી હોવાની માહિતી ઉપલબ્ધ નથી.




