જાપાનમાં ભૂકંપથી તબાહી: 13નાં મોત, 170થી વધુ આફ્ટરશોક બાદ હાઈ એલર્ટ


જાપાનમાં ભૂકંપથી તબાહી: 13નાં મોત, 170થી વધુ આફ્ટરશોક બાદ હાઈ એલર્ટ


જાપાનના ક્યુશુ વિસ્તારમાં મંગળવારે આવેલા 7.1ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ બુધવારે સવારે 11 વાગ્યા સુધીમાં 170થી વધુ આફ્ટરશોક નોંધાયા છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપના કારણે અનેક ઈમારતોને નુકસાન થયું છે અને પુલો પણ ધરાશાયી થયા છે.
જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સી (JMA)એ લોકોને આગામી એક સપ્તાહ સુધી સાવચેત રહેવાની અપીલ કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ ખાસ સંવેદનશીલ છે અને આ દરમિયાન શિંદો સ્કેલ પર 7ની તીવ્રતા સુધીના વધુ ભૂકંપ આવી શકે છે.
મંગળવારે સાંજે 4:27 વાગ્યે કુમામોટો પ્રાંતમાં આવેલા ભૂકંપની તીવ્રતા શિંદો સ્કેલ પર 7 નોંધાઈ હતી, જે આ માપદંડનું સૌથી ઊંચું સ્તર છે. જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચીએ અત્યાર સુધીમાં 13 લોકોનાં મોતની માહિતી આપી છે.
ભૂકંપ દરમિયાન કુમામોટોમાં આવેલા એઓન મોલનો બીજો માળ ધરાશાયી થયો હતો. ત્યારબાદ આખી રાત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળમાંથી 20 વર્ષની વયની બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
કુમામોટો પ્રાંત અગાઉ પણ 2016માં વિનાશક ભૂકંપની શ્રેણીનું કેન્દ્ર બન્યું હતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલના ભૂકંપનું કેન્દ્ર 2016માં સક્રિય રહેલા હિનાગુ ફોલ્ટ ઝોન નજીક હતું, જોકે આ જ ફોલ્ટ ફરી સક્રિય થયો છે કે નહીં તેની હાલમાં પુષ્ટિ થઈ નથી.




