જામનગરમાં સ્વચ્છતા ઝૂંબેશની શરૂઆત, PM મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે આયોજન



જામનગરમાં સ્વચ્છતા ઝૂંબેશની શરૂઆત, PM મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે આયોજન



જામનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ, ભવ્ય અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જામનગર જિલ્લામાં આગામી તારીખ 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના ‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’ના સંકલ્પને સાકાર કરવા માટે જામનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક સપ્તાહ માટે ‘વિશેષ સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સિદ્ધ થયા છે. ત્યારે નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોક-ભાગીદારી થકી આ સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ આયોજન કરાયું છે.
આ વિશેષ સપ્તાહ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં તારીખ વાઇઝ વૈવિધ્યસભર જાગૃતિ અને સફાઈલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં અભિયાનના પ્રથમ દિવસે તારીખ 8 જૂનના રોજ વિવિધ શહેરો અને ગામોમાં સાયકલ રેલી, બાઇક રેલી તેમજ પદયાત્રા દ્વારા વ્યાપક જનજાગૃતિ કેળવીને આ ઝૂંબેશનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તારીખ 09 જૂનના રોજ ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય/શહેરી દિવસ’ અંતર્ગત સઘન પ્લાસ્ટિક સફાઈ અભિયાન હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ અંગે લોકજાગૃતિ કેળવવામાં આવી હતી.
જ્યારે તારીખ 10 જૂનના રોજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર જિલ્લાના તમામ મહત્વના જળાશયો, તળાવો અને ખુલ્લા પ્લોટોની સઘન સફાઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગામના તળાવ, નદી કિનારા, મુખ્ય જળાશયો અને સરકારી કે ખાનગી ખુલ્લા પ્લોટોમાં એકત્રિત થયેલ કચરો તેમજ બિનજરૂરી ઝાંખરા-ઝાડીઓની વ્યાપક સફાઈ કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે હેતુથી પાણીના ભરાવા વાળા સ્થાનો અને હેન્ડપંપની આસપાસ જમા થયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો, તેમજ મચ્છર ઉત્પત્તિ અટકાવવાના ભાગરૂપે સઘન દવા છંટકાવ સહિતના જરૂરી પગલાં વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા.
આગામી દિવસોના આયોજન અંગે વાત કરીએ તો, તા. 11 જૂનના રોજ જન આરોગ્ય સુખાકારીના ભાગરૂપે ગંદા પાણીના નિકાલની જગ્યાઓ અને ડ્રેનેજ/ગટર વ્યવસ્થાની સફાઈ કરવામાં આવશે. આ જ રીતે તા. 12 જૂનના રોજ સ્થાનિક રહીશોના સહયોગથી તમામ શેરીઓ, મહોલ્લાઓ અને મુખ્ય માર્ગોની સફાઈ કરાશે તથા તા. 13 જૂનના રોજ જિલ્લાની તમામ સરકારી કે જાહેર સંસ્થાઓ, શાળાઓ, ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોએ શ્રમદાન દ્વારા વ્યાપક સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. આ વિશેષ ઝુંબેશના અંતિમ દિવસે એટલે કે તા. 14 જૂનના રોજ નાગરિકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવશે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો અંગે વિગતવાર જાણકારી આપી જાગૃત કરવામાં આવશે.
રાજ્યના નાગરિકો, જનપ્રતિનિધિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ તેમજ કર્મયોગીઓ પરસ્પર સક્રિય સહયોગ આપી આ મહા-અભિયાનને સંપૂર્ણ સફળ બનાવે તે માટે જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા જામનગર જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં આ તમામ કાર્યક્રમોનું સંચાલન અને દેખરેખ રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ ગૌરવશાળી સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાવવા અને પોતાના ગામ કે શહેરને સ્વચ્છ-સુઘડ રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.




