સલાયાના 500 કરોડના ડ્રગ્સ કેસ મામલે ચોંકાવનારો ખુલાસો, જાણો ક્યાં ક્યાં જોડાયા તાર



સલાયાના 500 કરોડના ડ્રગ્સ કેસ મામલે ચોંકાવનારો ખુલાસો, જાણો ક્યાં ક્યાં જોડાયા તાર



Ahmedabad News: ગુજરાતના દરિયાકાંઠે વર્ષોથી ઝડપાતી મોટી માત્રામાં ડ્રગ્સ પાછળ આંતરરાષ્ટ્રીય નાર્કો-ટેરર નેટવર્ક કાર્યરત હોવાનો ચોંકાવનારો ખુલાસો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં સામે આવ્યો છે. વર્ષ 2020માં જામનગર જિલ્લાના સલાયા નજીક દરિયાકાંઠેથી ઝડપાયેલા અંદાજે રૂ. 500 કરોડના હેરોઈન કેસની તપાસ દરમિયાન એજન્સીએ ભારત અને વિદેશમાં ફેલાયેલા ડ્રગ્સ સિન્ડિકેટના તાર શોધી કાઢ્યા છે.
તપાસમાં સામે આવ્યું છે કે, દિલ્હી, પંજાબ અને ચંદીગઢથી સંચાલિત થતું આ નેટવર્ક પાકિસ્તાન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, ઈરાન, યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) અને થાઈલેન્ડ સુધી વિસ્તરેલું છે. ડ્રગ્સના વેચાણમાંથી થતી આવકનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કરવામાં આવતો હોવાનો પણ NIAએ દાવો કર્યો છે.
વર્ષ 2020માં ગુજરાત ATSએ સલાયા દરિયાકાંઠેથી હેરોઈનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. શરૂઆતમાં આ હેરોઈન પંજાબમાં નશાખોરી માટે પહોંચાડવાનું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ NIAની ઊંડી તપાસમાં સમગ્ર મામલો નાર્કો-ટેરર કાવતરાનો ભાગ હોવાનું સામે આવ્યું છે.
તપાસ એજન્સી અનુસાર, ભારત સ્થિત નેટવર્કના મુખ્ય સુત્રધાર તરીકે અંકુશ કપૂરનું નામ સામે આવ્યું છે. ડ્રગ્સના સંગ્રહ, વિતરણ અને વેચાણની જવાબદારી સંભાળતા અંકુશ કપૂરની અમૃતસરમાં આવેલી મિલકતો તાજેતરમાં NIA દ્વારા અટેચ કરવામાં આવી છે.
આ કેસમાં અત્યાર સુધી છ વર્ષ દરમિયાન કુલ 29 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તપાસમાં સિમરનજીત નામના આરોપીને સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવ્યો છે. જ્યારે ‘ભાઈજાન’ તરીકે ઓળખાતો તારિક નામનો વ્યક્તિ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં હેરોઈન ઘુસાડવાનું સંચાલન કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં રહેતા તનવીર બેદી સામે પણ ડ્રગ્સ હેરાફેરી, હવાલા વ્યવહાર અને નેટવર્કના નાણાકીય સંચાલન સંબંધિત ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. NIAએ તબક્કાવાર અનેક પૂરક ચાર્જશીટ દાખલ કરી છે અને હજુ પણ આ કેસના આઠ ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
એજન્સીની તાજેતરની આઠમી પૂરક ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું માત્ર દાણચોરી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તેના પાછળ નાર્કો-ટેરર નેટવર્ક કાર્યરત હતું, જેની પહોંચ અનેક દેશો સુધી વિસ્તરેલી છે.




