મહિલાએ વેજ પાસ્તા ઓર્ડર કર્યા તો આવ્યાં નોન-વેજ પાસ્તા! જામનગર મનપાએ હોટેલને 10 હજાર દંડ ફટકાર્યો



મહિલાએ વેજ પાસ્તા ઓર્ડર કર્યા તો આવ્યાં નોન-વેજ પાસ્તા! જામનગર મનપાએ હોટેલને 10 હજાર દંડ ફટકાર્યો



Jamnagar News: જામનગરમાં ફૂડ ડિલિવરીને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દિગ્જામ સર્કલ નજીક આવેલી સાઇટ્રસ હોટલમાંથી ઝોમેટો મારફતે મંગાવવામાં આવેલા વેજ પાસ્તાની જગ્યાએ મહિલા ગ્રાહકને નોન-વેજ પાસ્તા ડિલિવર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગ્રાહકે પોતાની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવી મહાનગરપાલિકાની ફૂડ શાખામાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મહિલાની ફરિયાદને આધારે જામનગર મનપાના ફૂડ વિભાગે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમામે, જામનગરની એક મહિલા ગ્રાહકે ઝોમેટો એપ મારફતે સાઇટ્રસ હોટલમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. જો કે, ગ્રાહકના જણાવ્યા મુજબ તેમને ડિલિવરી દરમિયાન નોન-વેજ પાસ્તા પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને ગ્રાહકે ધાર્મિક લાગણી દુભાઈ હોવાની રજૂઆત સાથે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ ફૂડ ઇન્સ્પેક્ટર એન.પી. જાસોલીયાના માર્ગદર્શન હેઠળની ટીમ હોટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન હોટલ મેનેજમેન્ટ તરફથી ઓર્ડર પ્રક્રિયામાં ભૂલ થઈ હોવાનું સ્વીકારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે હોટલને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ ભવિષ્યમાં આવી પ્રકારની બેદરકારી ન થાય તે માટે હોટલ સંચાલકોને નોટિસ પાઠવી જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ ફૂડ ડિલિવરીની ગુણવત્તા અને જવાબદારી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.




