કાલાવડમાં સમૂહ લગ્નનો અનોખો રંગ! ડોલર, ચાંદી અને ચલણી નોટોનો વરસાદ



કાલાવડમાં સમૂહ લગ્નનો અનોખો રંગ! ડોલર, ચાંદી અને ચલણી નોટોનો વરસાદ



Jamnagar Samuh Lagna Ceremony: જામનગર જિલ્લાના કાલાવડમાં દલિત સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે અનોખા દ્રશ્યો સર્જાયા હતા. ભવ્ય ડાયરામાં ડોલર, ચાંદીની નોટો અને ચલણી નોટોનો વરસાદ થયો હતો. જો કે, આ રકમનો ઉપયોગ દીકરીઓના શિક્ષણ માટે કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
કાલાવડ ખાતે સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા આયોજિત પાંચમા સમૂહ લગ્નોત્સવમાં 11 દીકરીઓના શુભલગ્ન સંપન્ન થયા હતા. કાર્યક્રમમાં મહિન્દ્રાનંદગીરી મહારાજ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્ન નિમિત્તે યોજાયેલા ભવ્ય ડાયરામાં મહિન્દ્રાનંદગીરી મહારાજ અને પૂનમબેન માડમ પર ડોલર, ચાંદીની નોટો તેમજ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
લોકગાયક ગોપાલ ભરવાડના સૂરોએ સમગ્ર માહોલને ભક્તિ અને ઉત્સાહના રંગે રંગી દીધો હતો. ખાસ વાત એ છે કે, ડાયરામાં એકત્ર થયેલી રકમ દીકરીઓના શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવામાં આવશે, જે સમાજ માટે પ્રેરણારૂપ પહેલ બની છે. આ ઉપરાંત ડાયરામાં ડોલર અને નોટોનો વરસાદ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે.




