જામનગરમાં બોગસ બિલિંગનો પર્દાફાશ, પિતા-પુત્રની ધરપકડ



જામનગરમાં બોગસ બિલિંગનો પર્દાફાશ, પિતા-પુત્રની ધરપકડ



Jamnagar News: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ જીએસટી (SGST) વિભાગે એક મોટા બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 50 કલાકથી વધુ ચાલેલી મેરેથોન તપાસ બાદ કરોડો રૂપિયાની ખોટી વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) મેળવવાના ગુનામાં જામનગરની એક ભંગારની પેઢીના પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
જીએસટી વિભાગના અધિકારીઓએ 'માંડોવરા ટ્રેડિંગ કંપની'ના (GSTIN: 24AFUPS2125K1Z2) માલિકો સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહ અને તેમના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ પિતા-પુત્ર દ્વારા અંદાજે ₹23.08 કરોડની ખોટી વેરાશાખની ચોરી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
બ્રાસના દેશી ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ચોક્કસ ફરિયાદો અને ઇનપુટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો 30 વાહનોના કાફલા સાથે જામનગરમાં ત્રાટકી હતી. જીએસટીની ટીમોએ દરેડ ફેઝ-3માં આવેલા પ્લોટ નંબર-3128 તેમજ શેડ નંબર-555માં આવેલા જાનકી કોમ્પલેક્સ સહિતના શંકાસ્પદ સ્થળોએ એકસાથે તપાસ હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આ સમગ્ર નેટવર્કની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ તપાસમાં ₹100 કરોડથી વધુનું બિલિંગ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. હાલ પકડાયેલા પિતા-પુત્રની પૂછપરછ ચાલુ છે અને આ કૌભાંડના તાર અન્ય કઈ પેઢીઓ સાથે જોડાયેલા છે તે અંગે વધુ વિગતો બહાર આવવાની અપેક્ષા છે.




