જામનગર આંગણવાડી બહેનોનો આક્રોશ; પગાર બાકી, ફૂડ બિલ અટવાયા, મેયરને કરી રજૂઆત



જામનગર આંગણવાડી બહેનોનો આક્રોશ; પગાર બાકી, ફૂડ બિલ અટવાયા, મેયરને કરી રજૂઆત



Jamnagar News: જામનગરમાં આંગણવાડી બહેનોનો આક્રોશ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. વર્ષોથી બાળકોના પોષણ અને સંભાળની જવાબદારી નિભાવતી આંગણવાડી કાર્યકર બહેનો સમસ્યાઓથી ત્રસ્ત બની મેયરના દ્વારે પહોંચી હતી. સમયસર પગાર નહીં, મહિનાઓથી ફૂડ બિલ બાકી અને સતત વધતા સરકારી કામના ભાર વચ્ચે આંગણવાડીની મૂળ કામગીરી ખોરવાઈ રહી હોવાનું બહેનોએ જણાવ્યું હતું. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે 112 બહેનોએ રાજીનામા આપી દીધા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
બાળકોના ભવિષ્યને ઘડતી આંગણવાડી બહેનો હક્ક અને અધિકાર માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. જામનગરમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો મેયર કચેરીએ પહોંચી પોતાની વેદના વ્યક્ત કરી હતી.
બહેનોના જણાવ્યા મુજબ, મહિનાઓ સુધી પગાર સમયસર મળતો નથી, જ્યારે છેલ્લા આઠથી નવ મહિનાથી ફૂડ બિલ પણ મંજૂર થયા નથી. જેના કારણે આંગણવાડીના સંચાલનમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ ઉપરાંત વ્યાજબી ભાવની દુકાનેથી જરૂરી જથ્થો મેળવવા માટે પણ વારંવાર ધક્કા ખાવા પડે છે.
કાર્યકર બહેનોએ આક્ષેપ કર્યો કે, બાળકોના પોષણ અને શિક્ષણની જવાબદારી સાથે હવે FRS, MMY, વસ્તી ગણતરી, પોલિયો અભિયાન સહિત અનેક સરકારી કામગીરીનો બોજ પણ તેમના માથે નાખવામાં આવ્યો છે. જેના કારણે આંગણવાડીની મુખ્ય કામગીરી પ્રભાવિત થઈ રહી છે અને બાળકોને મળવાપાત્ર પોષણ અને સંભાળ પર સીધી અસર પડી રહી છે.
પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અને વધતા માનસિક તથા વહીવટી દબાણ વચ્ચે જામનગરની 112 જેટલી આંગણવાડી બહેનોએ રાજીનામા આપ્યા હોવાનો દાવો પણ રજૂઆત દરમિયાન કરવામાં આવ્યો હતો. જો કે, મેયરે બહેનોની રજૂઆત સાંભળી તેમની સમસ્યાઓ યોગ્ય સ્તરે પહોંચાડી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.




