Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં શિક્ષણની નવી પહેલ, બે દિવસમાં 501 બાળકોનો શાળામાં પુનઃપ્રવેશ

શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળામાં જોડવા માટે જામનગર શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ‘સમરસ વિદ્યાસેતુ’ અભિયાનને મોટી સફળતા મળી છે. અભિયાન અંતર્ગત માત્ર બે દિવસમાં 501 બાળકોએ ફરી શાળાનું પગથિયું ચઢી શિક્ષણની નવી શરૂઆત કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 Aug 2026 01:56 PM IST
જામનગરમાં શિક્ષણની નવી પહેલ, બે દિવસમાં 501 બાળકોનો શાળામાં પુનઃપ્રવેશજામનગરમાં શિક્ષણની નવી પહેલ, બે દિવસમાં 501 બાળકોનો શાળામાં પુનઃપ્રવેશ

શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળામાં જોડવા માટે જામનગર શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ‘સમરસ વિદ્યાસેતુ’ અભિયાનને મોટી સફળતા મળી છે. અભિયાન અંતર્ગત માત્ર બે દિવસમાં 501 બાળકોએ ફરી શાળાનું પગથિયું ચઢી શિક્ષણની નવી શરૂઆત કરી છે.

શાળા નંબર-31 ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પુનઃપ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

‘સમરસ વિદ્યાસેતુ’ અભિયાન અંતર્ગત શિક્ષકો, શિક્ષણ તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઘરે-ઘરે સંપર્ક કરી બાળકો તથા વાલીઓને શિક્ષણના મહત્વ અંગે સમજાવવામાં આવી રહ્યા છે. સામાજિક કે આર્થિક કારણોસર અભ્યાસથી દૂર થયેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

શૈક્ષણિક ગેપ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બ્રિજ કોર્સ અને જરૂરિયાત મુજબ હોમ સ્કૂલિંગની વ્યવસ્થા કરવાની પણ યોજના છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

માત્ર બે દિવસમાં 501 બાળકો ફરી શાળામાં જોડાતા શિક્ષણ વિભાગ અને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોના હાથમાં ફરી પુસ્તકો અને આંખોમાં ભવિષ્યના સપનાઓ સાથે જામનગરમાં શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક પહેલ આગળ વધી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.