જામનગર નજીક ચેલામાં ભઠ્ઠી બ્લાસ્ટમાં નેપાળી શ્રમિકનું મોત, સારવાર દરમિયાન તોડી દીધો દમ


જામનગર નજીક ચેલામાં ભઠ્ઠી બ્લાસ્ટમાં નેપાળી શ્રમિકનું મોત, સારવાર દરમિયાન તોડી દીધો દમ


જામનગર નજીક ચેલા વિસ્તારમાં આવેલા કારખાનામાં ભઠ્ઠી બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક નેપાળી શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ચેલા વિસ્તારમાં આવેલી ‘એલાઇટ મેટલ રિસાયકલ’ નામની ફેક્ટરીમાં પીતળ ઓગાળવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં અચાનક ગેસનું દબાણ વધી જતા બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. બ્લાસ્ટના કારણે ગરમ પીતળનો રસ ઉડી જતાં ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૪૩ વર્ષીય નેપાળી શ્રમિક દિલબહાદુર સુનારે અંતિમ શ્વાસ લીધા હતા. અન્ય ઈજાગ્રસ્ત શ્રમિકોની સારવાર હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક શ્રમિકના મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભઠ્ઠીમાં ટેક્નિકલ ખામી હતી કે પછી કોઈ બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ કારખાનાઓમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઉભા કર્યા છે. પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.




