જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે નારી વંદના પખવાડાની ઉજવણી, 'બેટી બચાવો બેટી પઢાવો' દિવસે મહિલાઓએ લીધો સંકલ્પ


જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે નારી વંદના પખવાડાની ઉજવણી, 'બેટી બચાવો બેટી પઢાવો' દિવસે મહિલાઓએ લીધો સંકલ્પ


રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહને ‘નારી વંદના પખવાડા’ તરીકે ઉજવવાના નિર્ણયના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે આજે ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પખવાડાના ભાગરૂપે આજનો દિવસ ‘બેટી બચાવો, બેટી પઢાવો દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાભરની મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સમાન અધિકારો અંગે વિશેષ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષિત વાતાવરણ અને સમાન તકો ઉપલબ્ધ કરાવવી સમયની માંગ છે. દીકરીઓને આત્મનિર્ભર બનાવી તેમના સર્વાંગી વિકાસ માટે પરિવાર અને સમાજ બંનેની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ જણાવાયું હતું.
ઉપસ્થિત મહિલાઓએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનને સફળ બનાવવા માટે સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે દીકરીઓને ભણાવવા, તેમના અધિકારોનું રક્ષણ કરવા અને સમાજમાં તેમના પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
જિલ્લા પંચાયતના અધિકારીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નારી વંદના પખવાડા દરમિયાન જિલ્લામાં વિવિધ જનજાગૃતિ અભિયાનો, માર્ગદર્શન કાર્યક્રમો અને મહિલા કલ્યાણને કેન્દ્રમાં રાખી અનેક પ્રવૃત્તિઓ યોજવાની માહિતી આપવામાં આવી હતી. સમગ્ર પખવાડા દરમિયાન મહિલાઓના સન્માન, સશક્તિકરણ અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ કાર્યક્રમો યોજાશે.




