રાજકોટમાં IPL સટ્ટાકાંડ પોલીસે 4 લોકોની કરી ધરપકડ, રાજકીય કનેક્શન સામે આવ્યું



રાજકોટમાં IPL સટ્ટાકાંડ પોલીસે 4 લોકોની કરી ધરપકડ, રાજકીય કનેક્શન સામે આવ્યું



રાજકોટ: રાજકોટમાં IPL સીઝન દરમિયાન ક્રિકેટ સટ્ટા પર લગામ લગાવવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી આર.કે. પ્રાઈમ બિલ્ડિંગની એક ઓફિસમાં ચાલતા સટ્ટાકાંડ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે પોલીસે બીજા માળે આવેલી ઓફિસમાં રેડ કરી હતી, જ્યાંથી જયદીપ દિનેશભાઈ જાદવ અને દર્પણ હરેશભાઈ બારસિયાની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન, સટ્ટાના સોદાનો ચોપડો અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત કુલ રૂ. 65,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન ચોંકાવનારું રાજકીય કનેક્શન સામે આવ્યું છે, જેમાં રાજકોટ વોર્ડ નં. 7 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પરેશ સિંગાલાના પુત્ર વત્સલ સિંગાલા પર સટ્ટાકાંડમાં મુખ્ય ભૂમિકા નિભાવવાનો આક્ષેપ થયો છે. પોલીસ મુજબ વત્સલ સિંગાલા સટ્ટા માટે ક્રિકેટ આઈડી ઉપલબ્ધ કરાવતો હતો.
આ કેસમાં વિજયભાઈ ઉર્ફે VM, દેવાંગ ડાભી અને જેડી (JD) સહિત ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપી દર્પણ બારસિયા રીઢો ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું છે, જેના વિરુદ્ધ અગાઉ અપહરણ, મારામારી અને છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
IPL શરૂ થયા બાદ રાજકોટ પોલીસે અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે આગામી દિવસોમાં પણ ઓનલાઈન તેમજ ઓફલાઈન સટ્ટાખોરો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે.




