IPL 2026 Final: આરસીબી માટે સૌથી મોટો ખતરો બની શકે છે શુભમન ગિલ



IPL 2026 Final: આરસીબી માટે સૌથી મોટો ખતરો બની શકે છે શુભમન ગિલ



અમદાવાદ: IPL 2026ની ફાઈનલમાં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે જંગ જામવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મહામુકાબલામાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ આરસીબી માટે સૌથી મોટા પડકાર તરીકે ઉભરી શકે છે. ગિલના ઘરઆંગણાના મેદાન પરના શાનદાર આંકડા આરસીબીની ચિંતા વધારી રહ્યા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શુભમન ગિલ માટે હંમેશા લકી સાબિત થયું છે. આ મેદાન પર તેણે અત્યાર સુધી 31 ઇનિંગ્સમાં 162ના સ્ટ્રાઈક રેટ સાથે 1,374 રન ફટકાર્યા છે. જેમાં 3 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. આ મેદાન પર તેમનો સર્વોચ્ચ સ્કોર 129 રન રહ્યો છે, જે દર્શાવે છે કે અમદાવાદની પીચ પર ગિલ કેટલા ખતરનાક બની શકે છે.
ગિલ હાલ પણ જબરદસ્ત ફોર્મમાં છે. બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સ સામે તેણે 53 બોલમાં 104 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 15 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી એકલા હાથે ગુજરાત ટાઇટન્સને ફાઈનલમાં પહોંચાડ્યું હતું.
IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં શુભમન ગિલ બીજા સ્થાને છે. તેણે 15 મેચમાં 163ના સ્ટ્રાઈક રેટ સાથે 722 રન નોંધાવ્યા છે. આવી સ્થિતિમાં જો આરસીબીને ટ્રોફી જીતવાની આશા જીવંત રાખવી હોય તો ગિલને વહેલી તકે પેવેલિયન ભેગા કરવો પડશે.
જોકે, પ્રથમ ક્વોલિફાયરમાં આરસીબી સામે ગિલનું બેટ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું અને તે માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. તે મેચમાં આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 92 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. હવે પોતાના ઘરઆંગણે ગુજરાત ટાઇટન્સ એ હારનો બદલો લેવા માટે ઉત્સુક છે.
ગુજરાત ટાઇટન્સનો અમદાવાદમાં રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. ટીમે અત્યાર સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 22 મેચ રમી છે, જેમાંથી 15માં જીત મેળવી છે. જ્યારે આ સિઝનમાં અમદાવાદ ખાતે રમાયેલી 7 મેચમાંથી ગુજરાતે 5 મેચ જીતી છે અને માત્ર 2માં હારનો સામનો કર્યો છે.




