કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થતા રાજકોટમાં નાના વેપારીઓ પર આર્થિક માર, ધંધો બંધ કરવાની નોબત



કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થતા રાજકોટમાં નાના વેપારીઓ પર આર્થિક માર, ધંધો બંધ કરવાની નોબત



રાજકોટ: આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને વધતી મોંઘવારીની વચ્ચે કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે ₹970નો મોટો વધારો કરતા તેની સીધી અસર હવે સ્થાનિક બજારોમાં જોવા મળી રહી છે. રાજકોટમાં ખાસ કરીને નાના ખાણીપીણાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગેસના વધેલા ભાવને કારણે નાસ્તાની લારીઓ અને નાના ધંધાર્થીઓ માટે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. અનેક વેપારીઓ હવે મજબૂરીમાં સગડાનો ઉપયોગ કરીને નાસ્તો તૈયાર કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે એક તરફ ઘરખર્ચ અને બાળકોની સ્કૂલ ફીની જવાબદારી છે, તો બીજી તરફ ગેસના ભાવવધારાએ તેમની કમર તોડી નાખી છે.
વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો કે ગેસ સિલિન્ડર સમયસર મળતા નથી અને મળતા હોય તો પણ કાળાબજારીમાં ₹4થી ₹5 હજાર સુધી ચૂકવવા પડે છે. આ પરિસ્થિતિમાં ભાવ વધારાનો ભાર ગ્રાહકો પર નાખવો મુશ્કેલ છે, નહીં તો ગ્રાહકો દૂર થઈ જાય છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ એવી બની છે કે કેટલાકે ધંધો બંધ કરી અન્ય કામ તરફ વળવાનું શરૂ કર્યું છે, જ્યારે બાકીના વેપારીઓ પણ ધંધો બંધ કરવાની કગાર પર પહોંચી ગયા છે.




