રાધનપુર-વારાહી હાઈવે પર ચાલતી ટ્રકમાં ભીષણ આગ, ‘આગનો ગોળો’ બનતાં અફરાતફરી



રાધનપુર-વારાહી હાઈવે પર ચાલતી ટ્રકમાં ભીષણ આગ, ‘આગનો ગોળો’ બનતાં અફરાતફરી



પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મોટી પીપળી ગામ નજીક પસાર થતી ટ્રેલર ટ્રકમાં અચાનક આગ લાગી જતા થોડા જ પળોમાં આખું વાહન આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું. દોડતી ટ્રક ‘આગનો ગોળો’ બની જતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રકમાંથી પહેલા ધુમાડો નીકળતો દેખાયો હતો અને બાદમાં જોતજોતામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષાના પગલે બંને તરફનો ટ્રાફિક થોડા સમય માટે રોકી દેવાયો હતો. જેના કારણે માર્ગ પર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી.
સૌથી રાહતની વાત એ છે કે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. સમયસૂચકતા દાખવીને ડ્રાઈવર અને ક્લીનર ટ્રકમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવ્યા બાદ હાઈવે પર વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ઉનાળાની ગરમી અને યાંત્રિક ખામીઓને કારણે ભારે વાહનોમાં આવી આગની ઘટનાઓ વધતી જઈ રહી છે, જે ચિંતા ઊભી કરે છે.




