ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક ગેસ બ્લાસ્ટ, 82 શ્રમિકોના મોત, 9 લાપતા



AI Image
ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક ગેસ બ્લાસ્ટ, 82 શ્રમિકોના મોત, 9 લાપતા



AI Image
ચીન: ચીનના ઉત્તરી શાંક્સી પ્રાંતમાં આવેલી એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક ગેસ વિસ્ફોટે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. શુક્રવારે મોડી રાત્રે કિનયુઆન કાઉન્ટીમાં આવેલી ‘લિયુશેનયુ’ કોલસાની ખાણમાં થયેલા આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 82 શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 9 શ્રમિક હજુ પણ લાપતા છે.
ચીનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, વિસ્ફોટ સમયે ખાણની અંદર કુલ 247 શ્રમિક કામ કરી રહ્યા હતા. ગેસ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે અનેક શ્રમિકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. જોકે, 200થી વધુ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે.
પ્રારંભિક અહેવાલોમાં મૃત્યુઆંક 8 દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ બચાવ કામગીરી આગળ વધતા મોતનો આંકડો વધીને 82 પર પહોંચ્યો હતો. આ દુર્ઘટનાને છેલ્લા એક દાયકામાં ચીનમાં બનેલી સૌથી ભયાનક ખાણ દુર્ઘટનાઓમાંથી એક માનવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping અને વડાપ્રધાન Li Qiang એ તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રાષ્ટ્રપતિએ અધિકારીઓને ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર આપવા અને ગુમ થયેલા શ્રમિકોની શોધખોળમાં કોઈ કસર ન રાખવા સૂચના આપી છે.
સાથે જ અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન લી કિયાંગે સમયસર અને પારદર્શક માહિતી જાહેર કરવાની સાથે બેદરકારી બદલ જવાબદારી નક્કી કરવા પર ભાર મૂક્યો છે.
આ ઘટનાને પગલે ખાણ સંચાલન સાથે જોડાયેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ ઘટનાસ્થળે સેંકડો બચાવકર્મીઓ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે અને લાપતા શ્રમિકોની શોધખોળ ચાલુ છે.
ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કોલસાની ખાણોમાં સુરક્ષા નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હતા, છતાં આ ભયાનક દુર્ઘટનાએ ફરી એકવાર ખાણ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.




