અમદાવાદ–વડોદરા NH-48 પર ભયાનક અકસ્માત: 30,000 લીટર MMA કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું



અમદાવાદ–વડોદરા NH-48 પર ભયાનક અકસ્માત: 30,000 લીટર MMA કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું



ખેડા: અમદાવાદ–વડોદરા નેશનલ હાઈવે-48 પર દાવડા બ્રિજ પાસે આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલું 30,000 લીટર MMA કેમિકલ ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા પલટી ગયું હતું.
ટેન્કર હાઈવેની સાઈડમાં આવેલા અંદાજે 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી અતિ જ્વલનશીલ કેમિકલ લીક થવા લાગ્યું હતું, જેના કારણે વિસ્તારમાં આગ લાગવાનો ગંભીર ભય ઉભો થયો હતો અને હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ બે વોટર બ્રાઉઝર સાથે તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને ટેન્કર પર સતત પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિ નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ હાઈવે પેટ્રોલિંગ ટીમ, પોલીસ અને સ્થાનિક તંત્ર પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
સાવચેતી રૂપે હાઈવે પરનો વાહનવ્યવહાર થોડો સમય માટે નિયંત્રિત કરવામાં આવ્યો હતો જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી શકે.
આ દરમિયાન વડોદરા રિફાઈનરીની સ્પેશિયલ ટીમને પણ બોલાવવામાં આવી હતી, જે બાકી રહેલા કેમિકલને બીજા ટેન્કરમાં સુરક્ષિત રીતે રીફીલિંગ કરવાની કામગીરી કરશે. ત્યારબાદ ક્રેનની મદદથી પલટી ગયેલું ટેન્કર હટાવી માર્ગ ફરીથી સામાન્ય કરવામાં આવશે.
સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.




