ડાંગમાં ધોધમાર વરસાદથી 47 ગ્રામ્ય માર્ગો પ્રભાવિત, કોઝવે ગરકાવ થતા લોકો સંપર્ક વિહોણા


ડાંગમાં ધોધમાર વરસાદથી 47 ગ્રામ્ય માર્ગો પ્રભાવિત, કોઝવે ગરકાવ થતા લોકો સંપર્ક વિહોણા


ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. સતત વરસાદના પગલે જિલ્લાના અંદાજે 47 જેટલા ગ્રામ્ય માર્ગો પ્રભાવિત થયા છે, જેના કારણે અનેક ગામોની અવરજવર મુશ્કેલીમાં મુકાઈ છે.
ભારે વરસાદને કારણે જિલ્લાના નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે અને લોકમાતાઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી બંને કાંઠે છલોછલ વહી રહી છે. પાણીના વધેલા પ્રવાહને કારણે ચીખલદા અને સુસરદા નજીક આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિણામે સ્થાનિક લોકોનો સંપર્ક ખોરવાયો છે અને અવરજવર માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે.
સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પરિસ્થિતિ દરમિયાન કોઈ તાત્કાલિક આરોગ્ય કે અન્ય ઇમર્જન્સી સર્જાય તો બહાર નીકળવા માટે પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને યોગ્ય નિવારણ લાવવા માટે માંગ કરવામાં આવી રહી છે.
વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગો પર લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સતત વરસાદ ચાલુ રહે તો વધુ માર્ગો પ્રભાવિત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.




