ગુજરાતમાં ભારે વરસાદથી હાઈવે બંધ, ડેમમાંથી પાણી છોડવાની ચેતવણી; અનેક લોકોનું રેસ્ક્યૂ


ગુજરાતમાં ભારે વરસાદથી હાઈવે બંધ, ડેમમાંથી પાણી છોડવાની ચેતવણી; અનેક લોકોનું રેસ્ક્યૂ


ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બની છે. ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે મુખ્ય હાઈવે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે નીચાણવાળા ગામોમાં પૂરનું જોખમ ઉભું થતાં તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચાંગોદર અને બાવળા વચ્ચેના સણથલ-બગોદરા હાઈવે પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને વેજલકા-બગોદરા માર્ગને બદલે ધોળેરા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. રાજકોટ તરફથી આવતા વાહનોને પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ ઉપરાંત અમદાવાદ-વિરમગામ હાઈવે પર પણ પાણીના વધુ પ્રવાહને કારણે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાંસારા ગામના 10 પરિવારના 35 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કોચાડા ગામમાં ફસાયેલા 6 લોકોને પાટણ ફાયર ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા રાત્રી દરમિયાન રેસ્ક્યૂ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
દરમિયાન, ભારે વરસાદને પગલે માછુ-2 ડેમના દરવાજા ખોલી નદીમાં અંદાજે 49 હજાર ક્યુસેક પાણી છોડવાની ચેતવણી આપવામાં આવી છે. મોરબી શહેર સહિત 20 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
સુરેન્દ્રનગરનું ધોળીધજા ડેમ પણ 100 ટકા ભરાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીમાં ન જવા તેમજ પશુ અને સામાનને સલામત સ્થળે ખસેડવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તંત્ર 24 કલાક એલર્ટ મોડ પર છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે.




