સુરતના ઓલપાડના કીમમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત


સુરતના ઓલપાડના કીમમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત


સુરત જિલ્લામાં મોડી રાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને ઓલપાડ તાલુકાના કીમ ગામમાં ભારે વરસાદના પગલે અનેક રહેણાંક વિસ્તારો અને માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કીમ ગામની સિદ્ધનાથ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂંટણસમાં ભરાઈ જતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઉપરાંત પોસ્ટ ઓફિસ રોડ, અમૃત નગર અને શિવાજી નગર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં સ્થાનિકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. અનેક પરિવારોને ઘરોમાં પાણી ન ઘૂસે તે માટે રાત્રિના સમયે જ ઘરની બહાર માટી અને ઈંટોની નાની પાળ બાંધીને પાણી રોકવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.
ભારે વરસાદના કારણે કીમ-માંડવી રાજ્યધોરીના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક સ્થળોએ વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, વરસાદ યથાવત રહેતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હોવાથી પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.




