રાજકોટમાં ગરમીનો કહેર! 42 ડિગ્રી પાર પહોંચતા રસ્તાઓ સૂમસામ, ટોપી-ગોગલ્સની માંગ વધી



રાજકોટમાં ગરમીનો કહેર! 42 ડિગ્રી પાર પહોંચતા રસ્તાઓ સૂમસામ, ટોપી-ગોગલ્સની માંગ વધી



રાજકોટ: શહેરમાં આકરા ઉનાળાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે ગરમી એટલી અસહ્ય બની રહી છે કે શહેરના મુખ્ય રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે.
ગરમીથી બચવા લોકો હવે ટોપી, ગોગલ્સ અને સ્કાર્ફનો સહારો લઈ રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકો સંપૂર્ણ કવરિંગ સાથે જ જોવા મળી રહ્યા છે. યુવાનો અને વાહનચાલકોમાં કેપ અને ચશ્માની માંગમાં ભારે વધારો નોંધાયો છે.
શહેરના બજારોમાં પણ ગરમીથી બચાવતી વસ્તુઓનું વેચાણ તેજ બન્યું છે. ટોપી અને ગોગલ્સના વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો હવે જરૂરિયાત મુજબ ગરમીથી બચવા માટે ખરીદી કરી રહ્યા છે.
બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરી છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા, વધુમાં વધુ પ્રવાહી પીવા અને તડકાથી બચવા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.




