ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના



ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના



Gujarat Monsoon Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, સોરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં થન્ડરસ્ટોર્મની સ્થિતિ સર્જાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ તેલંગાણાથી ગુજરાત સુધી પસાર થતી ટ્રફના કારણે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 38.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ હવામાન વિભાગે ખાસ ચેતવણી જાહેર કરી છે. આજથી આગામી ચારથી પાંચ દિવસ સુધી દરિયામાં પવનની ગતિ 35થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.




