ગુજરાતના પર્યટકોની સુરક્ષા માટે મોટી જાહેરાત, જાણો શું નિર્ણય લેવાયો



ગુજરાતના પર્યટકોની સુરક્ષા માટે મોટી જાહેરાત, જાણો શું નિર્ણય લેવાયો



Gujarat Tourism: રાજ્યમાં પર્યટકોની સુરક્ષા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પર્યટન સ્થળોએ આવતા દેશી અને વિદેશી પ્રવાસીઓ માટે વધુ સુરક્ષા અને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો અને ડાંગ જિલ્લોમાં ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’ સ્થાપિત કરવામાં આવશે. આ જિલ્લાઓ રાજ્યના મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્રો તરીકે ઓળખાય છે, જ્યાં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
નવી વ્યવસ્થા હેઠળ પર્યટન વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ ખાસ યુનિફોર્મમાં નજરે પડશે, જેથી પ્રવાસીઓને તેમને ઓળખવામાં સરળતા રહે. આ સાથે જ ‘ટુરિસ્ટ પોલીસ એપ’ પણ લોન્ચ કરવામાં આવશે, જેના માધ્યમથી પ્રવાસીઓ તાત્કાલિક મદદ મેળવી શકશે.
તે સિવાય પર્યટકોની સુવિધા માટે હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક પણ સ્થાપિત કરવામાં આવશે, જ્યાંથી માર્ગદર્શન, માહિતી અને તાત્કાલિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સરકારના આ પગલાંથી પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને પર્યટકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.




