સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026: ગુજરાત પોલીસ સજ્જ, 1 લાખથી વધુ સુરક્ષા જવાનોના બંદોબસ્ત વચ્ચે યોજાશે મતદાન


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026: ગુજરાત પોલીસ સજ્જ, 1 લાખથી વધુ સુરક્ષા જવાનોના બંદોબસ્ત વચ્ચે યોજાશે મતદાન


ગાંધીનગર: રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના સંદર્ભે ગુજરાત પોલીસ રાજ્યની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સજ્જ છે. આ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી અને જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ વડાની સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા બંદોબસ્તનું આયોજન અને ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી મોટા પાયે પોલીસ અને અન્ય સુરક્ષા દળોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 13 નગરપાલિકાની પેટાચૂંટણી, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત બેઠકોને આવરી લેવામા આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે 59,525 હોમગાર્ડ/જી.આર.ડી. જવાનો તેમજ 41,383 વધારાના જવાનોની ફોર્સ ડિપ્લોય કરવામાં આવી છે.
આ વીડિયો કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ વડા દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વિવિધ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સતત દેખરેખ રાખવી, આંતર-જિલ્લા અને રાજ્યની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી, ટેકનિકલ ખામી વગર સંવાદ જળવાઈ તે માટે પોલીસ યુનિટોને સતર્ક રહેવા આદેશ આપ્યા છે.




