દ્વારકામાં નકલી આર્મી જવાન ઝડપાયો: યુનિફોર્મ અને બોગસ આઈડીથી કરતો હતો ઠગાઈ



દ્વારકામાં નકલી આર્મી જવાન ઝડપાયો: યુનિફોર્મ અને બોગસ આઈડીથી કરતો હતો ઠગાઈ



દ્વારકા: યાત્રાધામ દ્વારકા શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પવિત્ર નગરીમાં આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરતા એક ભેજાબાજ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ લશ્કરી જવાન હોવાનો ખોટો દેખાવ કરીને શંકાસ્પદ રીતે ફરી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક કરી દીધી છે. આ આરોપી રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, 19 વર્ષનો કમલેશકુમાર પ્રબારામ રેબારી નામનો યુવક આર્મીનો યુનિફોર્મ પહેરીને લોકો પર રોફ જમાવતો હતો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકલી આઈડી કાર્ડ અને ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરતો હતો. પોલીસે તેને દ્વારકાની એક હોટલ નજીકથી ઝડપી પાડ્યો હતો, જ્યાં તે સેનાના જવાન તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો.
આરોપીની તલાશી લેતા તેની પાસેથી આર્મીની ડોંગ્રા રેજીમેન્ટના નામે બનાવેલું નકલી આઈડી કાર્ડ મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પાસે અન્ય અનેક નકલી દસ્તાવેજો પણ હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પોતે આર્મી જવાન હોવાનું ખોટું નામ ધારણ કરીને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આર્મી પ્રત્યેના લોકોના માનનો દુરુપયોગ કરીને તે આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
દ્વારકા પોલીસે આરોપી કમલેશકુમાર રેબારી સામે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બી.એન.એસ.ની કલમ 204, 168 અને 336 (3) મુજબ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે કે આ શખ્સે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. દ્વારકા જેવા મહત્વના ધાર્મિક સ્થળે નકલી જવાનની હાજરીએ પોલીસ તંત્રને વધુ સાવધ બનાવ્યું છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ યુવકે અન્ય ક્યાંક પણ આવી રીતે છેતરપિંડી કરી છે કે નહીં.




