હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1,090 લોકોના મોત; મૃત્યુદર 59%થી વધુ



હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1,090 લોકોના મોત; મૃત્યુદર 59%થી વધુ



Gujarat Hit And Run Cases: ગુજરાતમાં હિટ એન્ડ રનની વધતી જતી ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના તાજેતરના અહેવાલમાં સામે આવેલા આંકડાઓ રાજ્યમાં માર્ગ સુરક્ષાની સ્થિતિ અંગે ચેતવણીરૂપ ચિત્ર રજૂ કરે છે. વર્ષ 2024 દરમિયાન હિટ એન્ડ રનની 1902 ઘટનાઓમાં કુલ 1090 લોકોના મોત થયા હોવાનું અહેવાલમાં નોંધાયું છે.
અહેવાલ મુજબ રાજ્યમાં થતા કુલ માર્ગ અકસ્માતોમાંથી આશરે 14 ટકા અકસ્માતો હિટ એન્ડ રનના છે. આવા બનાવોમાં અકસ્માત સર્જનારા વાહનચાલક ઘાયલોને મદદ કરવાને બદલે સ્થળ પરથી ફરાર થઈ જાય છે, જેના કારણે પીડિતોને સમયસર સારવાર મળતી નથી અને મૃત્યુનું જોખમ વધી જાય છે.
ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના આંકડા અનુસાર, વર્ષ 2024માં હિટ એન્ડ રનની 1902 ઘટનાઓમાં 1090 લોકોના મોત થયા હતા, જ્યારે 883 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત 343 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. અહેવાલમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, હિટ એન્ડ રનની ઘટનાઓમાં મૃત્યુદર 59 ટકા કરતાં વધુ નોંધાયો છે. એટલે કે આવા અકસ્માતોમાં ઘાયલ થનારા મોટા પ્રમાણમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે.
માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે, સીસીટીવી કેમેરાના મર્યાદિત નેટવર્ક, રાત્રિના સમયે હાઈવે પર અપૂરતી પોલીસ પેટ્રોલિંગ અને બેફામ ડ્રાઇવિંગ જેવી બાબતો હિટ એન્ડ રનની ઘટનાઓ વધારવામાં જવાબદાર છે. અકસ્માત બાદ વાહનચાલકો સરળતાથી ફરાર થઈ જતા હોવાથી આરોપીઓને ઝડપવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રોડ સેફ્ટી વિભાગે કડક કાયદાકીય કાર્યવાહી, સઘન ચેકિંગ, વધુ સીસીટીવી કેમેરા અને હાઈવે પેટ્રોલિંગ મજબૂત કરવાની ભલામણ કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે, કડક અમલવારી અને જનજાગૃતિ દ્વારા જ હિટ એન્ડ રનની વધતી ઘટનાઓ પર નિયંત્રણ મેળવી શકાય છે.




