ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મેટ્રોમાં મુસાફરી, લોકોના અનુભવો જાણ્યા



ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મેટ્રોમાં મુસાફરી, લોકોના અનુભવો જાણ્યા



Gujarat Governor Metro Visit: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગીપૂર્ણ જીવનશૈલીની વધુ એક ઝલક લોકોને જોવા મળી છે. આજે રાજ્યપાલે ગાંધી આશ્રમ પુનરુદ્ધાર યોજનાની સમીક્ષા અર્થે સચિવાલય મેટ્રો સ્ટેશનથી રાણીપ મેટ્રો સુધી મુસાફરી કરી હતી.
રાજ્યપાલ ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશને સામાન્ય મુસાફરની જેમ લાઈનમાં ઉભા રહીને જાતે ટિકિટ ખરીદીને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે અન્ય મુસાફરોની સાથે મેટ્રોમાં મુસાફરી કરી હતી.
રાજ્યપાલ મેટ્રોમાં મુસાફરી કરતા હોવાની જાણ થતાં જ અન્ય મુસાફરોમાં પણ કૂતુહલ સર્જાયું હતું. રાજ્યપાલ મુસાફરો સાથે સહજ સંવાદ કરી મેટ્રોની મુસાફરીમાં સહભાગી બન્યા હતા. રાજ્યપાલે મેટ્રોમાં મુસાફરી વિશે લોકોના અનુભવો જાણ્યા હતા. લોકોએ રાજ્યપાલ સાથે ફોટો પડાવીને સફરને જીવનભર માટે યાદગાર બનાવી હતી.
મહત્વનું છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અનેકવાર એસ.ટી. બસ અને ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીને પોતાની સાદગીનો પરિચય આપે છે. આજે તેમણે સામાન્ય નાગરીકોની જેમ મેટ્રોમાં મુસાફરી કરીને ખરા અર્થમાં જનતાના રાજ્યપાલ હોવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.




