ઈબોલા વાયરસને લઈને ગુજરાત સરકાર એલર્ટ



ઈબોલા વાયરસને લઈને ગુજરાત સરકાર એલર્ટ



ગાંધીનગરl ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ આફ્રિકન દેશોમાં ફરી ઈબોલા વાયરસના કેસો સામે આવતા ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં ઈબોલા સામેની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાત અને ભારતમાં હાલ એકપણ કેસ નથી
આરોગ્ય મંત્રીએ નાગરિકોને ગભરાશો નહીં એવી અપીલ કરી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે હાલ ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં ઈબોલાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. કેન્દ્ર સરકારની SOP મુજબ તમામ આરોગ્ય તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ
આફ્રિકન દેશોથી આવતા મુસાફરો પર ખાસ નજર
આફ્રિકન દેશોમાં વધતા ઈબોલાના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર ખાસ સ્ક્રીનિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનથી આવતા મુસાફરોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા મુસાફરો માટે અલગ મેડિકલ પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
હોસ્પિટલોમાં આઇસોલેશન બેડ તૈયાર
અમદાવાદ, સુરત અને SVP હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા
ઈબોલા જેવી ગંભીર ચેપજન્ય બીમારી સામે તકેદારીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 અને સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત અમદાવાદની SVP હોસ્પિટલમાં 60 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે.
શંકાસ્પદ કેસ માટે તાત્કાલિક સારવારની તૈયારી
કેન્દ્ર સરકારની SOP મુજબ રાજ્ય આરોગ્ય તંત્ર સજ્જ
રાજ્ય આરોગ્ય વિભાગે જણાવ્યું કે કોઈપણ શંકાસ્પદ કેસ સામે આવે તો તાત્કાલિક સારવાર અને આઇસોલેશન માટે સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમોને ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે અને એરપોર્ટથી લઈને હોસ્પિટલ સુધી તમામ તંત્રને સજ્જ રાખવામાં આવ્યું છે.




