ખેડૂતો આનંદો! ગુજરાત સરકારની મોટી જાહેરાત; બાજરી-જુવાર-મકાઈની ખરીદી મર્યાદામાં મોટો વધારો



ખેડૂતો આનંદો! ગુજરાત સરકારની મોટી જાહેરાત; બાજરી-જુવાર-મકાઈની ખરીદી મર્યાદામાં મોટો વધારો



Gujarat Agriculture Department: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાના સફળ દિવસોની ઉજવણીના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે 2000 કિલો (100 મણ) હતી, તેને વધારીને હવે 3500 કિલો (175 મણ) પ્રતિ ખેડૂત કરવામાં આવી છે.
આ જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ 1500 કિલો (75 મણ)થી વધારીને હવે 2500 કિલો (125 મણ) અને જુવારની ખરીદી મર્યાદા 1000 કિલો (50 મણ)થી વધારીને ખેડૂત દીઠ 1700 કિલો (85 મણ) કરી છે. આમ, રાજ્ય સરકારે બાજરીમાં 1500 કિલો (75 મણ), મકાઈમાં 1000 કિલો (50 મણ) તેમજ જુવારમાં 700 કિલો (35 મણ)નો વધારો કર્યો છે.
કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે આ નવી નિર્ધારિત મર્યાદા મુજબ ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારના આ નૂતન અભિગમથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચાણ કરી શકશે.
રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને જે આર્થિક સુરક્ષા આપવામાં આવી છે, તેને આગળ ધપાવતા રાજ્ય સરકારે ખેડૂતોની લાગણી અને માંગણીઓને માન આપીને આ સુધારો કર્યો છે.




