ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે ચાલશે આક્રમક અભિયાન, DGPની કડક સૂચના



ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે ચાલશે આક્રમક અભિયાન, DGPની કડક સૂચના



Gandhinagar News: ગુજરાતમાં ડ્રગ્સના વધતા જોખમ સામે હવે રાજ્ય પોલીસ વધુ આક્રમક અભિયાન ચલાવશે. રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે તમામ પોલીસ એકમોને કડક સૂચનાઓ આપી છે.
ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ હવે માત્ર ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) જ નહીં, પરંતુ રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનો પણ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ) અધિનિયમ હેઠળના ગુનાઓ શોધવા, નોંધવા અને કાર્યવાહી કરવા માટે જવાબદાર રહેશે.
DGP જી.એસ. મલિકે ડ્રગ્સ પેડલરો, સપ્લાયરો અને નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્વો સામે ઝીરો-ટોલરન્સ નીતિ હેઠળ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ગુપ્તચર માહિતીના આધારે વધુ સઘન દરોડા અને વિશેષ ઓપરેશન હાથ ધરી ડ્રગ્સ નેટવર્કને મૂળથી તોડી પાડવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે, જો કોઈ બાહ્ય એજન્સી કોઈ પોલીસ સ્ટેશનની હદમાં NDPS ગુનો શોધી કાઢશે તો સંબંધિત સ્થાનિક અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય પોલીસને સૂચના આપવામાં આવી છે કે, ડ્રગ્સના વ્યસનીઓની પૂછપરછ કરીને સપ્લાય ચેઇન સુધી પહોંચવું, સપ્લાયરોની ઓળખ કરવી અને મોટા નેટવર્કનો પર્દાફાશ કરવો.
કાયદાકીય કાર્યવાહી ઉપરાંત ગુજરાત પોલીસ ડ્રગ્સના વ્યસનથી પ્રભાવિત લોકોને કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પણ સહયોગ આપશે. જેથી ડ્રગ્સ વિરોધી અભિયાનમાં અમલવારી અને માનવતાવાદી અભિગમ બંનેને સમાન મહત્વ મળી રહે.
રાજ્ય પોલીસ વડાએ સફળ NDPS કાર્યવાહી કરનારા પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન આપવાની પણ જાહેરાત કરી છે, જેથી ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ વેગ મળી શકે.




