મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026, પોરબંદરમાં ₹27,000 કરોડથી વધુના રોકાણની શક્યતા


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026, પોરબંદરમાં ₹27,000 કરોડથી વધુના રોકાણની શક્યતા


ગુજરાતના શિપ બિલ્ડીંગ અને રિપેર ક્ષેત્રને નવી દિશા આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતે “ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026”નું વિધિવત લોન્ચિંગ કર્યું છે. દેશનો સૌથી લાંબો 2340 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતા ગુજરાતને વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેક્નોલોજી અને રોકાણકારોને અનુકૂળ નીતિઓના આધારે દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે વિકસાવવાનો આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ પોલિસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝન તેમજ ભારત સરકારની શિપ બિલ્ડીંગ ફાઇનાન્સિયલ આસિસ્ટન્સ સ્કીમ-2025 અને મેરીટાઇમ વિઝન-2047 સાથે સુસંગત છે. નીતિ હેઠળ શિપયાર્ડ અને સહાયક ઉદ્યોગોના વિકાસ, કૌશલ્ય વિકાસ, ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડ, મરીન સાધનસામગ્રીના ઉત્પાદન તેમજ સ્ટાર્ટઅપ્સ અને R&Dને પ્રોત્સાહન આપવામાં આવશે.
પોલિસીનું મહત્વપૂર્ણ આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP)નું નિર્માણ છે. આ ઉપરાંત ભારત સરકારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં બે થી ત્રણ વિશ્વસ્તરીય શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનું નેટવર્ક વિકસાવવામાં આવશે. અહીં અંદાજે ₹23,700 કરોડનું ખાનગી રોકાણ આકર્ષિત થવાની શક્યતા છે, જ્યારે સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ માટે આશરે ₹3,300 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે.
પોલિસી હેઠળ મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટી પરતફેર, વ્યાજ સહાય, ડ્રેજિંગ સહાય, વીજળી અને પાણીના ચાર્જમાં સબસિડી સહિતના વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવશે. રોકાણકારો માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવવામાં આવશે.
આ પોલિસીથી ગુજરાતની શિપબિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડવેઇટ ટનેજથી વધુ કરવાનો, બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક સ્થાપવાનો અને 5 લાખથી વધુ લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. સરકારના જણાવ્યા અનુસાર, આ નીતિ ગુજરાતને વૈશ્વિક શિપબિલ્ડિંગ અને મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.




