ઉમરેઠ પેટાચૂંટણીને લઈને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં



ઉમરેઠ પેટાચૂંટણીને લઈને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં



આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં આણંદ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ડો. રાવે સ્પષ્ટ કર્યું હતું કે મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે સંકલ્પબદ્ધ છે. તેમણે સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ની તૈનાતી યોજના અંગે પણ ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
સમીક્ષા બેઠકમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાની કામગીરી, અસામાજિક તત્વો સામેની અટકાયતી કાર્યવાહી તેમજ એરિયા ડોમિનેશન કવાયત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજીપીએ તમામ ચેકપોસ્ટ પર સઘન ચકાસણી કરવા અને મતદારોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે કડક દેખરેખ રાખવા સૂચના આપી હતી.
આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનાર તત્વો સામે સાયબર સેલને સતત સક્રિય રહેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા કન્ટેન્ટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવા પણ સૂચના અપાઈ હતી.
ડીજીપીએ ઉમરેઠના નાગરિકોને નિર્ભય અને શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.




