ભારે વરસાદ વચ્ચે ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર, 18 હજારથી વધુ સર્વેલન્સ ટીમો તૈનાત



ભારે વરસાદ વચ્ચે ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર, 18 હજારથી વધુ સર્વેલન્સ ટીમો તૈનાત



રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ આયોજન અને મોનસૂન એક્શન પ્લાનના આધારે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના 34 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં 24x7 આરોગ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 6,868 મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં 1.74 લાખથી વધુ નાગરિકોની આરોગ્ય તપાસ કરી સ્થળ પર જ જરૂરી સારવાર આપવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 675 સગર્ભા મહિલાઓને સુરક્ષિત આરોગ્ય સંસ્થાઓમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી 272 મહિલાઓની સફળ સંસ્થાગત પ્રસૂતિ કરાવવામાં આવી છે.
રોગચાળો અટકાવવા માટે 18 હજારથી વધુ સર્વેલન્સ ટીમો દ્વારા દરરોજ ઘરે-ઘરે સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. ટીમો દ્વારા 1.05 કરોડથી વધુ ક્લોરીન ટેબ્લેટ અને 10.29 લાખથી વધુ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની ગુણવત્તા માટે 10.52 લાખથી વધુ રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લાના 562 ગામોમાં 7.61 લાખથી વધુ લોકોને લેપ્ટોસ્પાયરોસીસથી બચાવ માટે કેમોપ્રોફાયલેક્સિસ આપવામાં આવી છે.
વેક્ટરજન્ય રોગોના નિયંત્રણ માટે વધારાની 497 વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ, ORS, ક્લોરીન ટેબ્લેટ અને એન્ટી સ્નેક વેનમનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. રાજ્યનું આરોગ્ય તંત્ર કોઈપણ કટોકટીનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.





