ગુજરાત સરકારનો આદિવાસી દર્દીઓ માટે મોટો નિર્ણય, અંગ પ્રત્યારોપણ અને રોબોટિક સર્જરી માટે ₹2 કરોડની સહાય



ગુજરાત સરકારનો આદિવાસી દર્દીઓ માટે મોટો નિર્ણય, અંગ પ્રત્યારોપણ અને રોબોટિક સર્જરી માટે ₹2 કરોડની સહાય



ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિ (ST)ના દર્દીઓ માટે મહત્વપૂર્ણ આરોગ્ય સહાય યોજના શરૂ કરી છે. વર્ષ 2026-27 માટે ₹2 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અથવા મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજના હેઠળ મળતી સહાયની મર્યાદા પૂરી થયા બાદ બાકી રહેતા પાત્ર ખર્ચમાં મદદ કરવામાં આવશે.
યોજનાનો લાભ કિડની, લીવર, હાર્ટ, અગ્ન્યાશય જેવા અંગોના પ્રત્યારોપણ તેમજ અદ્યતન રોબોટિક સર્જરી માટે મળી શકશે. તેનો ઉદ્દેશ્ય ગંભીર બીમારીઓની સારવારનો ઊંચો ખર્ચ ઉઠાવતા આદિવાસી પરિવારોને આર્થિક રાહત આપવાનો છે.
આ યોજનાના અમલીકરણ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી IKDRCને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. PMJAY અથવા MA યોજના હેઠળ મળેલી રકમ બાદ બાકી રહેલી પાત્ર રકમની ગણતરી કરવામાં આવશે.
ઉદાહરણ તરીકે, જો અંગ પ્રત્યારોપણનો ખર્ચ ₹6 લાખ હોય અને PMJAY હેઠળ ₹3 લાખ ચૂકવવામાં આવ્યા હોય, તો બાકીના ₹3 લાખ સુધીની સહાય નવી યોજના હેઠળ મળી શકે છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાના કિસ્સામાં સહાય સરકાર દ્વારા મંજૂર સારવાર દર સુધી મર્યાદિત રહેશે.
લાભ મેળવવા માટે દર્દી ગુજરાતના ST સમુદાયનો હોવો, માન્ય જાતિ પ્રમાણપત્ર અને PMJAY અથવા MA કાર્ડ ધરાવતો હોવો જરૂરી છે. સારવાર પહેલાં IKDRCનો સંપર્ક કરવો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. IKDRC ટ્રાન્સપ્લાન્ટ કમિટીની ક્લિનિકલ મંજૂરી પણ જરૂરી રહેશે.
અરજી અને મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન રહેશે અને સહાય DBT અથવા CM ડેશબોર્ડ પોર્ટલ મારફતે આપવામાં આવશે.





