ગુજરાત સ્થાપના દિવસ 2026 : 1 મેના રોજ રાજ્યભરમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે



AI Image
ગુજરાત સ્થાપના દિવસ 2026 : 1 મેના રોજ રાજ્યભરમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે



AI Image
ગુજરાતનો સ્થાપના દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસને ‘ગુજરાત ગૌરવ દિવસ’ અથવા ‘ગુજરાત સ્થાપના દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1960માં આ જ દિવસે ગુજરાત રાજ્યનું સ્વતંત્ર અસ્તિત્વ ઉભું થયું હતું.

આ વર્ષે રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી સુરત શહેરમાં યોજાનાર છે, જેમાં ભવ્ય કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિ અને શૌર્યનો અદભૂત મેળાપ જોવા મળશે. સુરતના વાય જંકશન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા દિલધડક બાઈક સ્ટંટ પણ રજૂ થશે, જે પ્રેક્ષકો માટે વિશેષ આકર્ષણ બનશે.
ગુજરાત સ્થાપના દિવસનો ઇતિહાસ
ભારતને આઝાદી મળ્યા બાદ 1947માં પશ્ચિમ ભારતમાં અનેક રજવાડાંઓને ભેગા કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ 1956માં રાજ્યોના પુનર્ગઠન દરમિયાન બૃહદ મુંબઇ રાજ્ય બનાવવામાં આવ્યું, જેમાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલતા લોકોનો સમાવેશ થતો હતો.
પરંતુ ભાષા આધારિત અલગ રાજ્યની માંગ ઉગ્ર બનતાં ‘મહાગુજરાત આંદોલન’ શરૂ થયું. આ આંદોલનને લોકપ્રિય નેતા ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુ ચાચા)એ મજબૂત દિશા આપી. અંતે, 1 મે 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું અને ગુજરાત તથા મહારાષ્ટ્ર નામના બે અલગ રાજ્યોનું સર્જન થયું.
ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઉજવણીની વિશેષતા
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ, સેમિનાર અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વિકાસની ગાથાને ઉજાગર કરે છે.




