LPG જથ્થા સાથે 'ગ્રીન સાન્વી' ભારત આવવા રવાના



LPG જથ્થા સાથે 'ગ્રીન સાન્વી' ભારત આવવા રવાના



મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ-હમાસ અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને અરબી સમુદ્રમાં જહાજો પર મિસાઇલ હુમલાઓના કારણે વૈશ્વિક વેપાર સંકટ ગભરાટમાં છે. ખાસ કરીને વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ માર્ગ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અનેક વિદેશી જહાજો ફસાયેલા છે.
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતીય માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અંદાજે 58,811 મેટ્રિક ટન LPG ક્ષમતા ધરાવતો ભારતીય ટેન્કર 'ગ્રીન સાન્વી' આ જોખમી વિસ્તારમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ભારતમાં તરફ આગળ વધી રહ્યો છે.
‘ઇન્ડિયન શિપ, ઇન્ડિયન ક્રૂ’ – સલામતી માટે અનોખી રણનીતિ
જહાજે દરિયાઈ લૂંટારુઓ, મિસાઇલ હુમલાખોરો અને ઓળખની ભૂલને કારણે સર્જાતા જોખમોથી બચવા માટે અનોખી રણનીતિ અપનાવી. ટેન્કરના કેપ્ટને તેની ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) માં સતત સંદેશ ફ્લેશ કરાવ્યો: "Indian Ship, Indian Crew".
આ સિગ્નલ વડે આંતરરાષ્ટ્રીય નૌકાદળો અને સંભવિત જોખમકારકોને સ્પષ્ટ સંકેત મળ્યો કે આ જહાજ ભારતનું છે અને તેમાં માત્ર ભારતીય નાગરિકો જ સવાર છે. આ સાથે જ ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ પણ જહાજનું સ્થાન સતત ટ્રેક કરી રહ્યા છે.
હોર્મુઝમાં હજુ પણ ભારતીય ટેન્કરો ફસાયેલા
જ્યારે 'ગ્રીન સાન્વી' સુરક્ષિત રીતે આગળ વધ્યું છે, ત્યારે હોર્મુઝમાં 'જગ વિક્રમ' અને 'ગ્રીન આશા' સહિતના અન્ય બે મોટા LPG ટેન્કરો હજી પણ સ્થિર છે. સલામતી અથવા ઓપરેશનલ મંજૂરી ન મળવાને કારણે તેઓ આગળ ન વધી શક્યા હોવાની સંભાવના છે.
આ ઉપરાંત, તેલ અને ગેસ ભરેલા ઓછામાં ઓછા 15 અન્ય ભારતીય જહાજો હોર્મુઝના પશ્ચિમ ભાગમાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે, જેને બહાર કાઢવું નૌકાદળ માટે મોટો પડકાર છે.
હોર્મુઝનું વૈશ્વિક અને ભારતીય ઉર્જા માટે મહત્વ
વૈશ્વિક અસર: વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠાનો આશરે 20% હિસ્સો આ સાંકડા માર્ગથી પસાર થાય છે.
ભારતની નિર્ભરતા: ભારતની ઉર્જા જરૂરીયાતનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આયાત થાય છે. આ માર્ગ લાંબો સમય બંધ રહે તો ભારતમાં ગેસ અને પેટ્રોલિયમના ભાવમાં ભારે વધારો થઈ શકે છે.
સ્થિરતા: ટેન્કરોનું સુરક્ષિત રીતે ભારતીય બંદરો પર પહોંચવું આર્થિક સ્થિરતા અને ઘરેલું ગેસના ભાવ માટે આવશ્યક છે. નૌકાદળ હાઈ એલર્ટ પર: ભારતીય નૌકાદળ અને સરકાર સમગ્ર વિસ્તારમાં બારીક નજર રાખી રહ્યા છે, જયાં યુદ્ધ જહાજો પણ વેપારી જહાજોને સુરક્ષિત પહોંચાડવા માટે તૈનાત છે.




