અમિત શાહના હસ્તે અમદાવાદમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’નું ભવ્ય ઉદ્ઘાટન



અમિત શાહના હસ્તે અમદાવાદમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’નું ભવ્ય ઉદ્ઘાટન



અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં ગણેશ હાઉસિંગ ગ્રુપ દ્વારા વિકસિત “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટને ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં અંદાજે USD 1.5 બિલિયનનું રોકાણ થયું છે અને કુલ ખર્ચ આશરે ₹1100 કરોડ જણાવવામાં આવ્યો છે. પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં IBM, TCS, Valtech, Withum અને Searce જેવી વૈશ્વિક IT કંપનીઓએ અંદાજે 8 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા લીઝ પર લીધી છે.
70,000થી વધુ રોજગારીની સંભાવના
આ ટેક સિટીથી આગામી વર્ષોમાં 70,000થી વધુ હાઈ-સ્કિલ્ડ નોકરીઓ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં કુલ 63,000થી વધુ રોજગારીની તકો ઊભી થવાનો અંદાજ છે.
અમિત શાહે જણાવ્યું કે આ પહેલ અમદાવાદને GCC અને ટેક્નોલોજી કંપનીઓ માટે મહત્વપૂર્ણ હબ તરીકે વિકસાવશે. તેમણે ઉમેર્યું કે AI અને ડીપ ટેકનોલોજી ભવિષ્યની અર્થવ્યવસ્થાનો આધાર છે અને ગુજરાત પાસે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
7 ફેઝમાં વિકાસ યોજના
પ્રોજેક્ટનો વિકાસ કુલ 7 ફેઝમાં કરવામાં આવશે. પ્રથમ ફેઝ પૂર્ણ થતાં જ આધુનિક IT ઈકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ તૈયાર થયો છે. સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ વિસ્તાર ટેક્નોલોજી અને ઈનોવેશનનું મોટું કેન્દ્ર બનશે.
શિક્ષણ અને નવી પેઢી પર ફોકસ
ઉદ્ઘાટન દરમિયાન ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GREMI)નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં આશરે 300 વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુવિધા ઉપલબ્ધ રહેશે. 30,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં બનેલું આ ઇન્સ્ટિટ્યૂટ ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેનું બ્રિજ બનશે.
મુખ્યમંત્રીનો દૃષ્ટિકોણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત આજે વિકાસનું મોડલ રાજ્ય બની રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યની IT અને GCC પોલિસીથી ટેક્નોલોજી ક્ષેત્રમાં ઝડપી વિકાસ થશે અને AI સ્પેશિયલિસ્ટથી લઈને એન્જિનિયર્સ સુધીની નવી પેઢી તૈયાર થશે.
તેમણે ઉમેર્યું કે ગાંધીનગર ગિફ્ટ સિટી, સાણંદ અને ધોલેરા જેવા પ્રોજેક્ટ્સ ગુજરાતના આર્થિક વિકાસના નવા એન્જિન સાબિત થશે.




