Gold Mine Collapse : મધ્ય આફ્રિકામાં સોનાની ખાણ ધસી પડી, 30થી વધુ ખાણિયાના મોત


Gold Mine Collapse
Gold Mine Collapse : મધ્ય આફ્રિકામાં સોનાની ખાણ ધસી પડી, 30થી વધુ ખાણિયાના મોત


Gold Mine Collapse
Gold Mine Collapse : આ દુર્ઘટના નાના-મામ્બેરે પ્રીફેક્ચરના અબ્બા વિસ્તારમાં બની હતી. અકસ્માતમાં બચી ગયેલા ખાણિયા ફ્લોરિયન ગાગુએન્ડેએ જણાવ્યું હતું કે, આ એક પરંપરાગત સોનાની ખાણ હતી, જ્યાં ખનન માટે આધુનિક ટેક્નોલોજી અને સુરક્ષા સાધનોનો મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો હતો.
ખાણ અચાનક ધસી પડતાં અનેક લોકો તેની અંદર ફસાઈ ગયા હતા
અકસ્માત બાદ બચાવકર્મીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. જોકે, ખાણની સ્થિતિ અને કાટમાળને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમય પસાર થવાની સાથે અંદર ફસાયેલા ખાણિયાઓને જીવતા બચાવવાની શક્યતા પણ ઘટી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વિસ્તારના ડેપ્યુટી મેયર સુલેમાન બીએ જણાવ્યું હતું કે, અનેક કલાકોની મહેનત બાદ બચાવકર્મીઓ અને સ્થાનિક લોકો ખાણમાંથી 30 મૃતદેહો બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક ખાણિયાઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બચાવકાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું
ડેપ્યુટી મેયરે ઘટનાને અત્યંત ભયાનક ગણાવીને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક લોકો પાસેથી મદદની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, હજુ પણ એવા લોકો ખાણની અંદર ફસાયેલા હોઈ શકે છે જેઓ પોતાની રીતે બહાર આવી શકતા નથી. તેમને બચાવવા માટે વધુ સંસાધનો અને સહાયની જરૂર છે. ઘટનાની જાણ થતાં સરકાર પણ સક્રિય થઈ છે. સરકારના પ્રવક્તા એવેરિસ્ટ ન્ગામાનાએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ખાણિયાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે સરકાર અસરગ્રસ્ત પરિવારો અને ઘાયલ લોકોને જરૂરી રાહત તથા સહાય પૂરી પાડવા માટે પ્રયાસ કરી રહી છે. હાલ ખાણમાં ફસાયેલા લોકોને શોધવા અને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને કુલ કેટલા લોકો ખાણમાં હાજર હતા તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવવાની શક્યતા છે.




