ગોધરા રેલવે સ્ટેશન પરથી વિદેશી ચલણ સાથે બે વ્યક્તિઓની અટકાયત, પોલીસ તપાસ શરૂ



ગોધરા રેલવે સ્ટેશન પરથી વિદેશી ચલણ સાથે બે વ્યક્તિઓની અટકાયત, પોલીસ તપાસ શરૂ



Godhra News: ગોધરા રેલવે સ્ટેશન પરથી શંકાસ્પદ હાલતમાં મોટી માત્રામાં વિદેશી ચલણ સાથે એક પુરુષ અને એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. ગોધરા બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને માહિતી મળી હતી કે, પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન મારફતે વડોદરાથી ગોધરા આવી રહેલા એક પુરુષ અને મહિલા પાસે શંકાસ્પદ વિદેશી ચલણ છે. બાતમીના આધારે પોલીસ ગોધરા રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને બંને વ્યક્તિઓની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બંને પાસેથી કુલ 19,800 યુએસ ડોલર મળી આવ્યા હતા, જેની ભારતીય ચલણ મુજબ અંદાજિત કિંમત રૂ. 18.61 લાખ જેટલી થાય છે. પોલીસે વિદેશી ચલણ અંગે જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા માગ્યા હતા, પરંતુ સંતોષકારક પુરાવા રજૂ ન કરી શકતાં બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે જપ્ત કરાયેલા વિદેશી ચલણ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આટલી મોટી રકમનું વિદેશી ચલણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કોને આપવાનું હતું તેમજ તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.
આ ઉપરાંત પોલીસે બંને વ્યક્તિઓના પાસપોર્ટ કબજે લઈને તેમની મુસાફરી અને વિદેશી ચલણ સાથે સંકળાયેલા અન્ય પાસાઓની પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ બહાર આવે તેવી શક્યતા છે.




