વસતિ ગણતરી પહેલાં શૈક્ષિક મહાસંઘની મોટી માગ, કહ્યું - સોફ્ટવેર સપોર્ટેડ મોબાઇલ કે ટેબલેટ શિક્ષકોને આપો



વસતિ ગણતરી પહેલાં શૈક્ષિક મહાસંઘની મોટી માગ, કહ્યું - સોફ્ટવેર સપોર્ટેડ મોબાઇલ કે ટેબલેટ શિક્ષકોને આપો



ગાંધીનગર: રાજ્યમાં હવે થોડા સમય બાદ વસતિ ગણતરીની કામગીરી ચાલુ થવાની છે. ત્યારે શિક્ષકો તરફથી સરકારને મહત્વની રજૂઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા વસતિ ગણતરી નિયામકને લેખિત રજૂઆત કરી શિક્ષકોને જરૂરી ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માગ ઉઠાવવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, વસતિ ગણતરીની કામગીરી માટે ઉપયોગમાં લેવાતી એપ તમામ મોબાઈલ અને ટેબલેટમાં સપોર્ટ કરતી નથી. જેના કારણે અનેક શિક્ષકોને નવા મોબાઈલ અથવા ટેબલેટ ખરીદવાની ફરજ પડી શકે છે. મહાસંઘના દાવા મુજબ નવા મોબાઈલ માટે અંદાજે ₹15 હજાર જેટલો ખર્ચ થતો હોવાથી શિક્ષકો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે.
શિક્ષક સંગઠને સરકાર સમક્ષ માગ કરી છે કે, વસતિ ગણતરીની કામગીરી પહેલા શિક્ષકોને ટેબલેટ અથવા સપોર્ટેડ મોબાઈલ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સાથે જ વસતિ ગણતરી એપમાં જરૂરી ટેક્નિકલ સુધારા કરવામાં આવે જેથી તમામ કર્મચારીઓ સરળતાથી કામગીરી કરી શકે.
શિક્ષક મહાસંઘે જણાવ્યું હતું કે, કેટલાક શિક્ષકો પાસે હાલ સપોર્ટેડ મોબાઈલ અથવા ટેબલેટ ઉપલબ્ધ નથી, જેના કારણે કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ મુદ્દે સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.




