Get News Alerts

Never miss breaking news updates.

પરંપરાગત કુંડળીની જેમ 'મેડિકલ કુંડળી' મેળવવી એ સિકલ સેલ જેવા રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયારઃ પ્રફુલ પાનશેરીયા

Praful Pansheria: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2ના દ્વારકા હોલ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં 'સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ' યોજાયો હતો.
Admin
AdminUpdated on: 09 Jun 2026 09:43 PM IST
પરંપરાગત કુંડળીની જેમ 'મેડિકલ કુંડળી' મેળવવી એ સિકલ સેલ જેવા રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયારઃ પ્રફુલ પાનશેરીયાપરંપરાગત કુંડળીની જેમ 'મેડિકલ કુંડળી' મેળવવી એ સિકલ સેલ જેવા રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયારઃ પ્રફુલ પાનશેરીયા

Praful Pansheria: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2ના દ્વારકા હોલ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં 'સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ' યોજાયો હતો.

આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આનુવંશિક રોગોને અટકાવવા માટે જે રીતે લગ્ન સમયે પરંપરાગત કુંડળી મેળવવામાં આવે છે, તે જ રીતે હવે લગ્ન પહેલાં 'મેડિકલ કુંડળી' એટલે કે સિકલ સેલનું સ્ટેટસ- વાહક કે દર્દી તપાસવું અનિવાર્ય છે, જેથી આવનારી પેઢીને આવા પીડાદાયક રોગો વારસામાં ન આવે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ-2006માં જ્યારે દેશમાં આ રોગ પ્રત્યે ઓછી જાગૃતિ હતી, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ સ્ક્રિનિંગ કામગીરી હાથ ધરીને સિકલ સેલના વાહક અને દર્દીઓનો સચોટ ડેટાબેઝ તૈયાર કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, જો દ્રઢ સંકલ્પ અને સામાજિક જાગૃતિ હોય તો કોઈ પણ રોગને નાબૂદ કરી શકાય છે. વર્ષ-2007માં ગુજરાતમાં પોલિયોનો છેલ્લો કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગની અથાક મહેનતથી આપણે રાજ્યને પોલિયોમુક્ત બનાવ્યું છે; એ જ રીતે વર્ષ-2047 સુધીમાં સિકલ સેલ પણ ભૂતકાળ બની જશે તેવી આશા મંત્રીએ વ્યકત કરી હતી.  

સિકલ સેલના દર્દીઓને હિંમત આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ જિંદગીથી હારી જવાનો રોગ નથી, પરંતુ યોગ્ય કાળજી અને સારવારની મદદથી આ રોગ સાથે પણ સંપૂર્ણ તંદુરસ્ત જીવન જીવી શકાય છે. વર્ષ-2047ના વિકસિત અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે ગુજરાતનો પ્રત્યેક નાગરિક હસતો-ખીલતો અને નિરોગી રહે તે જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમને ખૂબ જ સંવેદનશીલતાથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સિકલ સેલની બીમારી ધરાવતા બાળકોએ આ રોગની પીડા દર્શાવતું એક ભાવવાહી પેઇન્ટિંગ -ચિત્ર મંત્રીને ભેટ આપ્યું હતું.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા આરોગ્ય ક્ષેત્રે નવીન પહેલ કરવામાં અગ્રેસર રહ્યું છે અને રાજ્યના સિકલ સેલ કાર્યક્રમને વડાપ્રધાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. શીતળા અને પોલિયો જેવા રસીકરણ -વેક્સિન આધારિત રોગોની સરખામણીએ સિકલ સેલ જેવા જનીની -જેનેટિક રોગોની નાબૂદી અત્યંત પડકારજનક છે. ગુજરાતમાં હાલ અંદાજે ૫.૫ લાખ સિકલ સેલ કેરિયર્સ અને 30,000 સક્રિય દર્દીઓ છે.

અધિક મુખ્ય સચિવે ઉમેર્યું હતું કે, વર્ષ 2047 સુધીના આ દીર્ઘકાલીન લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે પોપ્યુલેશન સ્ક્રિનિંગ અને જેનેટિક કાઉન્સિલિંગ જેવા મજબૂત સ્તંભોની સાથે 'જનજાગૃતિ' અને 'જનભાગીદારી' જ સિકલ સેલને રોકવા એકમાત્ર અસરકારક ઉપાય છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.