સફાઇકર્મીની નૈતિકતાઃ ખોવાયેલો iPhone માલિકને પરત કર્યો, ગાંધીનગર મનપાએ સન્માનિત કર્યા



સફાઇકર્મીની નૈતિકતાઃ ખોવાયેલો iPhone માલિકને પરત કર્યો, ગાંધીનગર મનપાએ સન્માનિત કર્યા



Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકાના એક સફાઈકર્મીએ નૈતિકતા અને પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે. શહેરના સરગાસણ વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈકર્મી ડાહીબેનને સફાઈ દરમિયાન એક કિંમતી iPhone મળી આવ્યો હતો, જે તેમણે કોઈ પણ લોભ-લાલચ વગર તેના મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી છે. આ પ્રશંસનીય કાર્ય બદલ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.
સરગાસણ વિસ્તારમાં નિયમિત સફાઈ કામગીરી દરમિયાન ડાહીબેનને રસ્તા પર બિનવારસી હાલતમાં એક મોંઘો સ્માર્ટફોન (iPhone) મળ્યો હતો. ડાહીબેને તુરંત જ આ ફોન સુરક્ષિત રીતે પોતાની પાસે રાખ્યો હતો. બીજી તરફ, પોતાનો કિંમતી ફોન ખોવાઈ જવાથી ચિંતિત બનેલા માલિક જ્યારે શોધખોળ કરતા તે વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે ડાહીબેને પૂરતી ખાતરી કર્યા બાદ પૂરી નમ્રતા સાથે ફોન તેના અસલી માલિકને સોંપ્યો હતો.
પોતાનો ગુમ થયેલ ફોન પરત મેળવતા માલિકે ડાહીબેનનો આભાર માન્યો હતો અને તેમની પ્રામાણિકતાના વખાણ કર્યા હતા. આ બાબતની જાણ થતા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડાહીબેનની ફરજનિષ્ઠા અને ઈમાનદારીની નોંધ લેવામાં આવી હતી.




