Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરનું પ્રાકૃતિક કૃષિ મોડેલ વૈશ્વિક સ્તરે ચમકશે, એક નવી હરિયાળી ક્રાન્તિ તરફ પ્રયાણ

ગાંધીનગરઃ ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વૈશ્વિક હબ તરીકે ઊભરી રહ્યું છે. રાજ્યમાં એક નવી હરિયાળી ક્રાંતિનો ઉદય થયો છે. જેનું ઉદાહરણ છે પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ વોરા અને કૃષિ સાહસિક માધવભાઈ જોષીના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલી ‘સુપર એફ.પી.ઓ.’ (SPNF) ગુજરાત ગિલ્ડ ઓફ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ.
Admin
AdminUpdated on: 22 Jun 2026 10:48 PM IST
ગાંધીનગરનું પ્રાકૃતિક કૃષિ મોડેલ વૈશ્વિક સ્તરે ચમકશે, એક નવી હરિયાળી ક્રાન્તિ તરફ પ્રયાણગાંધીનગરનું પ્રાકૃતિક કૃષિ મોડેલ વૈશ્વિક સ્તરે ચમકશે, એક નવી હરિયાળી ક્રાન્તિ તરફ પ્રયાણ

ગાંધીનગરઃ ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વૈશ્વિક હબ તરીકે ઊભરી રહ્યું છે. રાજ્યમાં એક નવી હરિયાળી ક્રાંતિનો ઉદય થયો છે. જેનું ઉદાહરણ છે પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ વોરા અને કૃષિ સાહસિક માધવભાઈ જોષીના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલી ‘સુપર એફ.પી.ઓ.’ (SPNF) ગુજરાત ગિલ્ડ ઓફ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ.

આ અંગે વાત કરતા હિતેશભાઈ જણાવે છે કે, આ વિરાટ ફેડરેશન હેઠળ ૨૨ મોટાં સંગઠનો એકત્રિત થયા છે, જેમાં અંદાજે 20,000થી વધુ પ્રાકૃતિક ખેડૂતો અને 22,500 હેક્ટર જેટલો વિશાળ વિસ્તાર સંકળાયેલો છે.

છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરતા હિતેશભાઈ પોતાના 90 એકર ફાર્મ પર ‘પંચસ્તરીય બાગાયતી મોડેલ’ સફળતાપૂર્વક ચલાવે છે. સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીથી પ્રેરિત આ પદ્ધતિ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, મલ્ચિંગ અને વાપ્સા જેવા પાંચ મજબૂત આયામો પર આધારિત છે, જે પ્રથમ વર્ષથી જ બમણું ઉત્પાદન આપે છે.

તેઓ કહે છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આ ઝૂંબેશને વેગ મળ્યો છે. જેમાં દેશી ગાયના નિભાવ માટે દર મહિને ₹900, ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે પ્રતિ હેક્ટર ₹5000 અને ફાર્મ પર મોલ-સ્ટોલ બનાવવા માટે દરેક એફ.પી.ઓ.ને ₹2 લાખની સહાય આપવામાં આવે છે.

આ સુપર એફ.પી.ઓ. દ્વારા ‘ગરવી’ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે, જેના હેઠળ 130થી વધુ સર્ટિફાઇડ પ્રાકૃતિક પ્રોડક્ટ્સ અને વિશ્વપ્રસિદ્ધ કેસર કેરી બજારમાં મૂકવામાં આવી છે. વચેટિયા નાબૂદ કરવા આ સંસ્થા કેન્દ્ર સરકારના ONDC પ્લેટફોર્મ સાથે જોડાઈ છે.

તેઓ જણાવે છે કે કંપનીના ગાંધીનગરના કુડાસણ કેન્દ્ર પરથી ૩૫ પ્રકારના અનાજ, કઠોળ, મરી-મસાલા અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચાડાય છે. એટલું જ નહીં, ખેડૂતોના ટેક્નિકલ માર્ગદર્શન અને પ્રશિક્ષણ માટે ‘ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી’ દ્વારા જિલ્લા મથકોએ 40 અદ્યતન ટ્રેનિંગ સેન્ટરો સ્થાપવામાં આવ્યાં છે.

સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર માધવભાઈ જોષીના જણાવ્યા મુજબ આગામી સમયમાં ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ’ અને બાગાયત વિભાગના સંયુક્ત સહયોગથી અત્યાધુનિક પ્રોક્યોરમેન્ટ અને કલેક્શન સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. આ સેન્ટ્રલ સિસ્ટમ દ્વારા ફળો, શાકભાજી અને અનાજના અદ્યતન સંગ્રહ તથા ઝડપી પરિવહનની વ્યવસ્થા ઊભી કરાશે.

ગાંધીનગર જિલ્લામાં જ હાલ 450 હેક્ટર જમીન પર પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. ખેડૂતોને વૈજ્ઞાનિક સહાય પૂરી પાડીને આ મોડેલ દ્વારા ગ્લોબલ માર્કેટમાં ઉત્પાદનોની નિકાસ કરવાની દિશામાં મજબૂત આગેકૂચ શરૂ થઈ ચૂક્યાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

AUTHOR
Admin

Admin

Author details are not available.