NFSU ખાતે ‘નમો યુવા સંવાદ’નું આયોજન, DyCM હર્ષ સંઘવીએ યુવાનોને આપ્યો સફળતાનો મંત્ર



NFSU ખાતે ‘નમો યુવા સંવાદ’નું આયોજન, DyCM હર્ષ સંઘવીએ યુવાનોને આપ્યો સફળતાનો મંત્ર



Harsh Sanghavi: ગાંધીનગર સ્થિત NFSU (નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી) ખાતે ‘નમો યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનો સાથે સીધો સંવાદ સાધી વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સંવાદ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના કરોડો ગરીબ પરિવારોને આવાસ યોજનાઓ હેઠળ લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે મોદીજીએ 4 કરોડથી વધુ આવાસો બનાવી ગરીબોને પોતાનું ઘર ઉપલબ્ધ કરાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ઉડાન’ યોજના દ્વારા સામાન્ય નાગરિક માટે હવાઈ મુસાફરીનું સપનું સાકાર થયું છે. અગાઉ જે લોકો માટે વિમાનમાં મુસાફરી કરવી મુશ્કેલ હતી, તેઓ આજે સરળતાથી હવાઈ સફર કરી રહ્યા છે.
રેલવે ક્ષેત્રે થયેલા પરિવર્તનોનો ઉલ્લેખ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, મોદી સરકાર પહેલાં ટ્રેન મુસાફરી અનેક પડકારોથી ભરેલી હતી, પરંતુ આજે વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો દ્વારા મુસાફરી વધુ ઝડપી, સુવિધાજનક અને આરામદાયક બની છે.
યુવાનોને સંબોધતા તેમણે જણાવ્યું કે, સ્વચ્છતા માત્ર અભિયાન નથી, પરંતુ જીવનશૈલી છે, જેનો અર્થ નાના બાળકને પણ સરળતાથી સમજાવી શકાય છે. તેમણે યુવાનોને સ્ટાર્ટઅપ શરૂ કરવા, નવીન વિચારોને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા હતા. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના સપનાઓ સાકાર કરવા આગળ વધે છે ત્યારે તેને અટકાવનારા અને ટીકા કરનારા લોકો મળતા જ હોય છે. આવા લોકોની પરવા કર્યા વગર પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ.
સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, યુવાનોએ અનધિકૃત અને ભ્રામક સમાચારોથી સાવચેત રહેવું જોઈએ તથા માત્ર વિશ્વસનીય માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન ‘નરેન્દ્ર મોદી એક સર્જક’ પુસ્તકનું પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.




