ગાંધીનગરના કોબામાં આવેલા શ્રી કમલમ ખાતે અમિત શાહની શુભેચ્છા મુલાકાત



ગાંધીનગરના કોબામાં આવેલા શ્રી કમલમ ખાતે અમિત શાહની શુભેચ્છા મુલાકાત



Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધ દવે, ડૉ. પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને વડીલ મુરબ્બી સુરેદ્રકાકા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પહેલાં તેમણે સોનીપુર ખાતે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં રૂ. 340 કરોડના 84 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્વે બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આજે યોજાયેલાં આ કાર્યક્રમોમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના CSR ફંડના સહયોગથી ગુડા (GUDA), પંચાયત હસ્તકના તથા માર્ગ-મકાન વિભાગના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તદુપરાંત, રેલવે હસ્તકના અન્ડરબ્રિજનાં કાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક ગામ આત્મનિર્ભર અને સુવિધાસભર બને તેવા વિઝનનો ઉલ્લેખ કરતા ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, માત્ર નાણાકીય ભંડોળ જ મહત્વનું નથી, પરંતુ દરેક ગામડું આત્મનિર્ભર બને અને તમામ આવશ્યક સુવિધાઓથી સજ્જ થાય તે સરકારની પ્રાથમિકતા છે.




