ઇન્દ્રોડા પાર્કમાં ભીષણ ગરમીથી અબોલ વન્યજીવોને બચાવવા પહેલ, જમ્બો કૂલર્સ-ખસના પડદાં લગાવ્યાં



ઇન્દ્રોડા પાર્કમાં ભીષણ ગરમીથી અબોલ વન્યજીવોને બચાવવા પહેલ, જમ્બો કૂલર્સ-ખસના પડદાં લગાવ્યાં



Gandhinagar Indroda Park: રાજ્યભરમાં કાળઝાળ ગરમી છે. ત્યારે માત્ર માણસો જ નહીં, પરંતુ અબોલ પશુ-પક્ષીઓ પણ આ અસહ્ય તાપથી પ્રભાવિત થયા છે. ત્યારે ગાંધીનગર ખાતે ઈન્દ્રોડા નેચર પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્દ્રોડા પાર્કમાં હાલ 600થી વધુ વન્યજીવો વસવાટ કરે છે. આ અબોલ જીવોને લૂ અને તાપથી બચાવવા માટે આધુનિક ‘માઇક્રો ક્લાઇમેટ’ ઊભું કરવામાં આવ્યું છે. માંસાહારી જીવો અને સર્પગૃહમાં 15 જેટલા જમ્બો એર કૂલર્સ લગાવવામાં આવ્યા છે, જ્યારે ખુલ્લા વિસ્તારોમાં કુદરતી ઠંડક પ્રસરાવવા 20 હાઇ-પ્રેશર સ્પ્રીન્ક્લર્સ સતત કાર્યરત છે. અહીં ખસના પડદા અને એગ્રોનેટ શેડના ઉપયોગથી પ્રાણીઓના આવાસનું તાપમાન સામાન્ય કરતાં 2થી 4 ડિગ્રી સુધી ઘટાડવામાં વન વિભાગને સફળતા મળી છે.
ઉનાળાને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના ડાયેટ પ્લાનમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારે ખોરાક પચવામાં તકલીફ ન પડે તે માટે હિંસક પ્રાણીઓના માંસમાં 1 કિલો સુધીનો ઘટાડો કરાયો છે. તો બીજી તરફ, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે તેમને તરબૂચ, સક્કર ટેટી, કાકડી, વિટામીન-સી અને ORS પાઉડર આપવામાં આવી રહ્યો છે.




