ગાંધીનગરના ધેધુ ગામમાં યુવકની ગળું દબાવી હત્યા, બે પાડોશીઓની ધરપકડ


ગાંધીનગરના ધેધુ ગામમાં યુવકની ગળું દબાવી હત્યા, બે પાડોશીઓની ધરપકડ


ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધેધુ ગામમાં 20 વર્ષીય યુવક હાર્દિક ઠાકોરની હત્યાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવકની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકના પાડોશી વાસુભાઈ ઠાકોર અને હંસાબેન ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા કર્યા બાદ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને અન્યત્ર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રયાસ નિષ્ફળ જતા આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બાદમાં પોલીસે કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
ગાંધીનગરના ડેપ્યુટી એસપી આર.એમ. સરોદેએ જણાવ્યું કે, કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતક હાર્દિક ઠાકોરના પિતા રમેશ ઉદાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. પોલીસના અનુમાન મુજબ ઘટના શનિવારે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા વચ્ચે બની હતી.
પોસ્ટમોર્ટમની પ્રાથમિક રિપોર્ટમાં પણ ગળું દબાવવાના કારણે યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને હત્યા પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મૃતકના પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં હત્યાનું રહસ્ય ઉકેલાઈ શકે છે.




