કેબિનેટ બેઠકમાં યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ, રાજ્યમાં ‘વાયર ફ્રી સિટી’ વિકસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય



કેબિનેટ બેઠકમાં યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ, રાજ્યમાં ‘વાયર ફ્રી સિટી’ વિકસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય



ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેબિનેટે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
બેઠકમાં રાજ્યને આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવાના ભાગરૂપે ‘વાયર ફ્રી સિટી’ વિકસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રારંભિક તબક્કામાં રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને 100થી વધુ નગરપાલિકા વિસ્તારોમાં આ યોજના અમલમાં મૂકવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ વાયર ફ્રી સિટી બનવાથી જાહેર સલામતી, શહેરની સુંદરતા અને માળખાકીય સુવિધાઓને લગતી અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળશે.
MSME અને સેવા ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે પણ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વિવિધ સર્વિસ સેક્ટરનો ડેટા એકત્રિત કરીને તેના આધારે વિકાસલક્ષી નીતિઓ તૈયાર કરવામાં આવશે.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, નીતિ આયોગની આગામી બેઠકમાં ગુજરાતની સિદ્ધિઓ તેમજ ભવિષ્યના વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે.
કૃષિ ક્ષેત્રે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના હેતુથી કૃષિ વિભાગ દ્વારા 1 જૂનથી 30 જૂન સુધી ‘ખેત બચાવો અભિયાન’ હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.
આ અભિયાનના સફળ અમલીકરણ માટે આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિશેષ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓ જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓને ‘ખેત બચાવો અભિયાન’ અંગે માર્ગદર્શન આપશે અને અમલીકરણની રણનીતિ અંગે ચર્ચા કરશે.




