Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગર: ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયા અંગે કલેક્ટરની નાગરિકોને અપીલ

ગુજરાત રાજ્યમાં જનગણના ૨૦૨૭ અંતર્ગત ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયાની શરૂઆત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ ઓનલાઈન પ્રક્રિયા ૧૭ મે થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને સરળતાથી પોતાની તથા પોતાના પરિવારની વિગતો જાતે નોંધાવી શકશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 May 2026 02:09 PM IST
ગાંધીનગર: ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયા અંગે કલેક્ટરની નાગરિકોને અપીલગાંધીનગર: ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયા અંગે કલેક્ટરની નાગરિકોને અપીલ

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા નાગરિકોને રાષ્ટ્ર નિર્માણના મહત્ત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત મેળવવામાં આવતી માહિતી દેશના વિકાસ આયોજન, વિવિધ જનહિતલક્ષી યોજનાઓના અમલીકરણ તથા નીતિ નિર્માણ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

ગુજરાત રાજ્યમાં જનગણના ૨૦૨૭ અંતર્ગત ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયાની શરૂઆત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ ઓનલાઈન પ્રક્રિયા ૧૭ મે થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને સરળતાથી પોતાની તથા પોતાના પરિવારની વિગતો જાતે નોંધાવી શકશે.

કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતું કે નાગરિકો ઘરે બેઠા માત્ર થોડા મિનિટોમાં પોતાના વર્તમાન રહેઠાણ સહિત પરિવારની માહિતી ઓનલાઈન નોંધાવી શકે છે. આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાની આવશ્યકતા નથી. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ ‘SE ID’ જનરેટ થશે, જે નાગરિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ ‘SE ID’ સાચવી રાખવાનો રહેશે અને જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર ઘરે મુલાકાતે આવે ત્યારે તેમને આ આઈડી બતાવવાનું રહેશે.

કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે પોતે પણ પોતાની સ્વ-ગણતરી ઓનલાઈન પૂર્ણ કરી છે અને આ પ્રક્રિયા અત્યંત સરળ છે. જો કોઈ નાગરિકને ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન મુશ્કેલી આવે તો તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરીના સંબંધિત સ્ટાફનો અથવા સરકારના ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકે છે.

અંતમાં કલેક્ટરશ્રીએ તમામ નાગરિકોને રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા અને સાચી તથા સચોટ માહિતી આપી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે।

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.