સાણંદમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાળકીનું મોત



સાણંદમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાળકીનું મોત



અમદાવાદ અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાની શિયાવાડા ચોકડી પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ફૂલ સ્પીડમાં આવી રહેલા ડમ્પરે બાઈક સવારને અડફેટે લેતા એક માસૂમ બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો છે અને હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે ચીસો અને અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની માહિતી મળતા જ સાણંદ GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




